



ભરૂચ એસઓજીની મોટી સફળતા: બે વર્ષથી ફરાર ડ્રગ્સ કેસમાં આરોપી ઝડપાયો
ભરૂચ એસઓજી પોલીસે બે વર્ષથી પલાયન કરી રહેલા એક મહત્વના ડ્રગ્સ કેસના આરોપીને ઝડપી પડ્યો છે. ધરપકડ થયેલા શખ્સની ઓળખ જીત બહાદુર સિંહ ઉર્ફે ઠાકોર સૂર્યનારાયણ સિંહ (ઉંમર 53) તરીકે થઈ છે, જે સુરતના રાજીવ નગર વિસ્તારમાં વસવાટ કરતો હતો.
ભરૂચના એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક અંજામ આપવામાં આવી. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મહારઈ મોહમ્મદપુર ગામનો વતની છે.
3 જાન્યુઆરી 2023ના રોજ, ભરૂચ એસઓજીએ ઝાડેશ્વર ચોકડી નજીકથી 1,334.150 કિલોગ્રામ ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી લેવાની યોજના બનાવી હતી. આ જથ્થાની કુલ બજાર કિંમત આશરે ₹1.33 કરોડ હતી, જ્યારે સમગ્ર મુદ્દામાલની કિંમત ₹1.53 કરોડ જેટલી આંકવામાં આવી હતી.
આરોપી ઉત્તર પ્રદેશથી ગેરકાયદેસર માદક પદાર્થ મંગાવતો અને સુરતના વિવિધ વિસ્તારોમાં તેની હેરાફેરી કરતો હતો. પોલીસે શોધખોળ શરુ કરતા તે સતત રાજ્ય બદલતો અને પોલીસની આંખો ચૂંધી રહ્યો હતો.
તેથી, ભરૂચ એસઓજીએ ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરી, લાંબી શોધખોળ બાદ આરોપીને ઝડપી પાડ્યો. NDPS એક્ટ હેઠળ તેની સામે કેસ નોંધાઈ ચૂક્યો છે અને હાલ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે જેથી ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સાથે સંકળાયેલ અન્ય શખ્સોની પણઓળખ કરી શકાય.