અંકલેશ્વરમાં પુત્રએ ચપ્પુના ઘા મારી માતાની ઘાતકી હત્યા કરી, પિતાને ફોન કરીને ઘરે પણ બોલાવ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા દીકરાએ જ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. ઘટનાની વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતી ચૌધરીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી.
ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા. તે દરમિયાન બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આવેશ આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મુકી રાખ્યો હતો. આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે એવું કહી બોલાવ્યા હતા. બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બેડરૂમમાં પલંગ પર લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા.
આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર GIDC પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.