



કેમ અમિત શાહે યાદ કર્યા 2002ના રમખાણો?:વાગરાની સભામાં કહ્યું- ‘2002માં એ લોકોને એવો તે પાઠ ભણાવ્યો કે ગુજરાતમાં કાયમની શાંતિ થઈ ગઈ’!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક સભામાં જણાવ્યું છે કે, ગુજરાતમાં અસામાજિક તત્ત્વો અગાઉ વારંવાર હિંસા કરતા અને કોંગ્રેસ તેમને છાવરતી હતી. પરંતુ એ લોકોને 2002માં એવો તે પાઠ ભણાવ્યો છે કે, તે લોકો ખો ભૂલી ગયા છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં “કાયમની શાંતિ” કરી દીધી છે. તો ખેડાના મહુધામાં કહ્યું હતું કે, કૉંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજ્જુ શેખ, પીરજાદા, લતિફ જેવા દાદાઓ હતા. આજે ગુજરાતના ગામે ગામ દાદા છે તો એક જ દાદા છે હનુમાન દાદા.
વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરુપે અમિત શાહે આ વાત ભરુચ જિલ્લાના વાગરા ખાતે એક જાહેરસભાને સંબોધતા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં (1995 પહેલાં) કોંગ્રેસનું રાજ હતું ત્યારે વારંવાર કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ પોતે જ અલગ-અલગ સમુદાયના લોકોને ભડકાવીને એકબીજાની સામે લડાવતી હતી. આ કારણથી જ છાશવારે ગુજરાતમાં કોમી રમખાણો થતા હતા. આવા રમખાણોની આગ ઉપર જ કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકતી અને પોતાની વોટબેંક મજબૂત કરતી હતી. કોંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો છે. પરંતુ 2002 પછી તો ગુજરાતમાં કાયમની શાંતિ થઈ ગઈ છે. કારણ એટલું જ છે કે જે લોકો વારંવાર હિંસા કરવા અને ભડકાવવા ટેવાયેલા હતા તેમને બરાબરનો સબક શીખવાડ્યો છે.
કેંન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભરૂચના વાગરામાં પણ જાહેરસભા સંબોધી હતી. અહીં પણ ગુજરાતના 2002ના રમખાણને લઈ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતને કોમી રમખાણના તોફાનની અંદર એને પીંખી નાખવાનું કામ આ કૉંગ્રેસે કર્યું છે. હું ભરૂચ જિલ્લામાં છું. આ ભરૂચની ભૂમિએ અનેક રમખાણો જોયા છે, છાશવારે તોફાનો, કરફ્યૂ, ગુજરાતની અંદર મામલો થાળે જ ન પડવા દે તો વિકાસ ક્યાંથી થાય?.મને એક વાત કહો છેલ્લા 2002માં આ લોકોએ છમકલું કરવાની હિંમત કરી હતી. 2002માં કરી હતી ને હિંમત?. એ વખતે એવો પાઠ ભણાવ્યો, વીણી વીણીને સીધા કર્યા, જેલમાં નાખ્યા. 22 વર્ષ થયા હજી સુધી એકવાર પણ કફર્યૂ નથી નાખવો પડ્યો. આ ગુજરાતને કોમી રમખાણની આગમાંથી વિકાસે લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કમળે કર્યું છે.
ખેડા જિલ્લાના મહુધામાં ચૂંટણી સભા સંબોધતા અમિત શાહે કૉંગ્રેસને આડે હાથ લીધી હતી. ગુજરાતના 2002ના રમખાણોને યાદ કરી કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 2002માં કૉંગ્રેસીયાઓએ આદત પાડી હતી એટલે રમખાણો થયા હતા. પણ 2002માં એવો પાઠ શીખવાડ્યો કે ખો ભૂલી ગયા. 2002થી 2022 સુધી નામ ન લે સાહેબ. 2002માં કોમી હુલ્લડ કરનારાઓને કડક હાથે પગલાં ભરી ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતમાં અખંડ શાંતિની સ્થાપના કરી છે.
અમિત શાહે ઝાલોદમાં સભા સંબોધતા કહ્યું હતું કે,આ કૉંગ્રેસીયા હતા ત્યારે કેટલા છાશવારે કોમી તોફાનો થતા’તા કે નહોતા થતા? 2002માં એકવાર નરેન્દ્રભાઈ વખતે અડપલું કરવાની ટ્રાય કરી તો એવો પાઠ ભણાવ્યો કે, 2002 પછી 22 થયા હજી કોઈ ડોકું ઉચું નથી કરતું, રમખાણો કરાવવાવાળા ગુજરાતની બહાર જતા રહ્યા. ભાજપે ગુજરાતમાં શાંતિ સ્થાપી કફર્યૂ વગરનો પ્રદેશ બનાવવાનું કામ કર્યું.
અમિત શાહના નિવેદન વિશે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘અમિત શાહ કહે છે કે, ગુજરાતમાં સ્થાયી શાંતિ માટે 2002માં તેમને પાઠ ભણાવવામાં આવ્યો હતો, આ છે ભારતના ગૃહમંત્રી…’
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે કહ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહે 2002માં રમખાણો વિશે ભાજપ સરકારની પ્રતિક્રિયાને ‘પાઠ ભણાવવા’ તરીકે કરી છે. કોમી રમખાણો કરાવવા અને પછી ચૂંટણી લાભ માટે રાજ્યોનું ધ્રુવીકરણ કરવું તે બીજેપીની કાર્યપ્રણાલી છે. આ છે મોદી-શાહનું હકિકતનું ગુજરાત મોડલ.
અમિત શાહે ભરૂચના વાગરામાં સભા સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતમાં કૉંગ્રેસનું શાસન હતું ત્યારે ઈજ્જુ શેખ, પીરજાદા અને લતિફ જેવા દાદાઓ હતો. આજે ગુજરાતમાં ગામે ગામ દાદા છે તો એક જ હનુમાન દાદા છે.
ખેડાના મહુધાની સભામાં અમિત શાહે કહ્યું હતું કે, કૉંગ્રેસે વર્ષોથી 370ની કલમની જેમ રામમંદિરની સમસ્યાને ગૂંચવાડી રાખી હતી. ક્યારેક સેશન્સ કોર્ટ, ક્યારેક હાઈકોર્ટ અને ક્યારેક સુપ્રીમ કોર્ટમાં. મોદી બીજીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે લોહીનું એક ટીપું રેડ્યા વગર રામજન્મભૂમિનું ભૂમિપૂજન થઈ ગયું. રાહુલ બાબા મને ટોણા મારતા હતા કે મંદિર વહી બનાયેંગ તિથિ નહીં બતાયેંગ. હવે હું કહી દઉં છું કે 1 જાન્યુઆરી 2024ની ટિકિટ કરાવી લો ત્યાં ગગનચુંબી રામમંદિર તૈયાર હશે.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી