મનસુખ વસાવાના મોઢે છોટુ વસાવાના વખાણ:’છોટુભાઈ આદિવાસીઓના હક અને અધિકાર માટે લડ્યા છે તે સ્વીકારવું પડે’
ભરૂચ જિલ્લામાં છોટુ વસાવાના કટર રાજકીય હરિફ ગણાતા મનસુખ વસાવાના મોઢે આજે છોટુ વસાવાના વખાણ સાંભળવા મળ્યા હતા. જો કે, સાથે સાથે છોટુ વસાવાને સલાહ પણ આપી હતી. છોટુ વસાવાએ આદિવાસીઓ માટે લડત આપી હોવાનો મનસુખ વસાવાએ સ્વીકાર કર્યો હતો. પરંતુ, સાથે કહ્યું હતું કે, તેઓ છાશવાર પાર્ટીઓ બદલતા હોવાના કારણે પ્રજાનો વિકાસ થતો નથી.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં બીટીપીનું પ્રભુત્વ રહેલું છે. તો બીજી તરફ મનસુખ વસાવા પણ આ વિસ્તારમાંથી સાંસદ છે. ત્યારે અવારનવાર તેઓ બીટીપી પર પ્રહાર કરતા રહે છે. જો કે, આજે જાહેરમંચ પરથી કહ્યું હતું કે, છોટુભાઈ વસાવા આદિવાસીઓ માટે લડતા રહ્યા છે. પરંતુ, તેઓ નેશનલ લેવલે કે રાજ્ય કક્ષાએ પાર્ટીઓ સાથે રહેતા નથી. છાશવારે પાર્ટીઓ બદલતા રહે છે જેના કારણે પ્રજાનો વિકાસ થતો નથી.
સામાન્ય રીતે પોતાના રાજકીય હરીફ અંગે મનસુખ વસાવા પ્રહાર કરતા હોય છે. પરંતુ, આજે તેમણે કહ્યું હતું કે, છોટુભાઈ આદિવાસીઓના હક અને અધિકાર માટે લડ્યા છે તે સ્વીકારવું પડે. મનસુખ વસાવાના આ નિવેદન બાદ લોકો અને રાજકીય નેતાઓ પણ વિચારતા થઈ ગયા હતા. મહત્વનું છે કે, વસાવા અવારનવાર પાર્ટીની અંદર અને જાહેરમાં પોતાના વિચારો વ્યકત કરતા રહે છે.
છોટુ વસાવા તેમની પરંપરાગત ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે. પરંતુ, આ વખતે આ બેઠક પર તેમના પુત્ર મહેશ વસાવા કે જેઓ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના દ્વારા ઝઘડિયા બેઠક પર પોતાના નામની જાહેરાત કરી દીધી હતી. જેના કારણે નારાજ થયેલા છોટુ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી જ અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. જો કે, બાદમાં મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. એટલે આ બેઠક પર બીટીપીનો હાલ કોઈ ઉમેદવાર નથી. ખુદ છોટુ વસાવા પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
છોટુ વસાવાના જાહેર કાર્યક્રમમાં વખાણ કર્યા બાદ મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે. જો કે, ત્રણ વર્ષ પહેલા ઝઘડિયાના ડભાલ ગામે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં મનસુખ વસાવાએ છોટુ વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતું કે, જો છોટુ વસાવાએ આદિવાસીઓના હિતમાં કામ કર્યા હોય તો જાહેરમાં લોક દરબારમાં આવે અને વિકાસના કામોનો હિસાબ આપે. તમે તમારો હિસાબ આપો હું મારો હિસાબ આપું.
મનસુખ વસાવા જાહેરમાં અલગ અલગ વિષયો પર પોતાના નિવેદનો અને ટ્વિટને લઈ ચર્ચામાં આવતા રહ્યા છે. ભૂતકાળમાં જ્યારે BTP અને AIMIM વચ્ચે ગઠબંધન કર્યું ત્યારે મનસુખ વસાવાએ બંનેને ગાંડા ગણાવ્યા હતા. અને બંને પાર્ટીઓે અલગતાવાદી વિચારધારા ધરાવતી પાર્ટી ગણાવી હતી.2019માં જ્યારે કેવડિયામાંથી લારીઓ હટાવવામાં આવી ત્યારે મનસુખ વસાવાએ તત્કાલીન એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘ACમાં બેસતા IASને ગરીબોનું જીવન ખબર નથી’. એક વર્ષ પહેલા જાહેર કાર્યક્રમમાં ગુજરાતમાં શિક્ષણને નબળું ગણાવ્યું હતું. અને કહ્યું હતું કે, IAS-IPSની પરીક્ષાઓમાં જૂજ સંખ્યામાં જ ગુજરાતીઓ પાસ થાય છે. આ સ્થિતિ માટે ગુજરાતના શિક્ષણને જવાબદાર ગણાવ્યું હતું. સાંસદે સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. સાથે કહ્યું કે, હું પણ સરકારનો એક ભાગ છું પણ જે હકીકત છે તે કહેવી પડે.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી