



ભરૂચમાં જિલ્લા પં. હસ્તકની 914 શાળામાં સર્વે શરૂ કરાયો
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામે આવેલી શાળા ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત છે. આ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસના બદલે શૌચાલય તોડવાની કામગીરીમાં જોતરી દેવાયાં હતાં. અનુભવી મજૂરો જે કામગીરી કરતાં હોય છે તે કામગીરી બાળકો પાસે કરાવવાની ગંભીર બેદરકારી શાળાના સ્ટાફે દાખવી છે જેના પરિણામે એક બાળક હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહયો છે.
શાળાના પટાંગણમાં આવેલાં જુના શૌચાલયને તોડવા માટે મજૂરો બોલાવવાના બદલે શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓને કામ સોંપી દીધું હતું. દિવાલ તુટી જવાથી સ્લેબને કોઇ આધાર નહિ રહેતાં તે ધડાકાભેર તુટી ગયો હતો. 200 કીલોથી વધારે વજન ધરાવતો સ્લેબની નીચે 13 વર્ષીય શિવમ વસાવા દબાય ગયો હતો. આ ઘટના બાદ શિક્ષણજગતમાં ઉહાપોહ મચી ગયો છે. ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 914 જેટલી શાળાઓ આવેલી છે. આમાંથી મોટાભાગની શાળાઓ જર્જરીત હાલતમાં છે ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ શાળાઓનો સર્વે હાથ ધર્યો છે
આ શાળાઓમાં 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં હોવાથી તેમના માથે પણ જોખમ રહેલું છે. ભરૂચ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં જર્જરીત શાળાઓ સંદર્ભમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. દર વર્ષે અમે સરેરાશ 10 થી 12 શાળાઓનું રીપેરીંગ કરાવતાં હોય છે. અંકલેશ્વરના બોરભાઠા ગામમાં બનેલી ઘટના બાદ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે. સ્લેબ પડવાના કારણે ઇજા પામેલા બાળકના ખબર અંતર લેવામાં આવ્યાં છે. તેની સારવાર ઉપર અમારી નજર છે. ઘટના કઇ રીતે બની અને કોણ જવાબદાર છે તે નકકી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.