ભરૂચની આદિવાસી ઝઘડિયા બેઠક સાથે પાંચેય વિધાનસભાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, ભાજપમાંથી 82 દાવેદારો ચૂંટણી લડવા ઉત્સાહી
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે શનિવારે આદિવાસી ઝઘડિયા બેઠકના દાવેદારોને સાંભળવા સાથે જ ત્રણ દિવસથી લેવાતી ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
આજે શનિવારે આદિવાસી ઝઘડિયા બેઠક માટે રવજી વસાવા, સેવનતું વસાવા, દિનેશ વસાવા, રિતેશ વસાવા, ઊર્મિલા વસાવા સહિત 16 ઉમેદવારોએ નિરીક્ષકો ભુપેન્દ્ર ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી.ભાજપ દ્વારા આ સાથે જ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર હોદેદારો અને અપેક્ષિતોની સેન્સ પ્રક્રિયા સમાપ્ત થઈ છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન પાંચ વિધાનસભામાં ભરૂચમાં 21, અંકલેશ્વર 10, વાગરા 12, ઝઘડીયા 16 અને સૌથી વધુ જંબુસર 23 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક માટે કુલ 82 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં વર્તમાન ત્રણ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાના હોદેદારો, સભ્યો, સંગઠનના આગેવાનો સહિતનો સમાવેશ થાય છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી