ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ બન્ને પક્ષે પ્રજાને લાભ માટેના કામો આલાપ્ય
ભરૂચ નગર પાલિકાના સભા ખંડમાં લાભ પાંચમે મળેલી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષે પ્રજાને લાભ અપાવવાના વિવિધ વિકાસ કામો તેમજ મુદ્દાઓ ઉપર રજૂઆતનો સુર આલાપ્યો હતો.
ભરૂચ નગર પાલિકાના પાલિકા પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને મુખ્ય અધિકારી દશરથ ગોહિલની ઉપસ્થિતિમાં દિવાળી બાદ આજે એજન્ડા ઉપર રહેલાં 24 કામોને લઈ સામાન્ય સભા મળી હતી. સભાના પ્રારંભે શહેરની પ્રજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પાલિકા પ્રમુખે લાભપાંચમથી જ દિવાળી પહેલાં કરાયેલાં તમામ ભૂમિપૂજનના કામોની શરૂઆતની ખાતરી આપી હતી. સાથે જ રૂપિયા 4.37 કરોડના ખર્ચે ડુંગળી અને જે.બી. મોદી પાર્ક વિસ્તારમાં 10 લાખ લિટરની પાણીની બે મંજૂર થયેલી ટાંકીનું કામ અને 60 કરોડના મહંમદપુરા ફ્લાય ઓવરનું કામ શરૂ થશે તેમ જણાવ્યું હતું.
વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ સહિતે લાઈટ લગાવવામાં થયેલી ખરીદીમાં વિપક્ષની સક્રિયતાએ પ્રજા અને પાલિકાના 3.70 લાખ બચ્યા હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ 2019થી રસ્તાના 1.67 કરોડના કામોને લઇ કોન્ટ્રકટરો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. દોઢ કલાક ચાલેલી સામાન્ય સભામાં કર્મચારીઓના વર્ષોથી ગ્રેજ્યુઇટીના પ્રશ્નો, દિવાળી પહેલાં રસ્તા અને લાઈટના નહિ થયેલા કામો, ગંદકી, ડોર ટુ ડોર, ફાયર ઓફિસરની ભરતી વિવાદમાં તપાસ સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. તો કારોબારી ચેરમન હેડ પ્રમાણે ગ્રાન્ટના મુદ્દે જવાબ આપવામાં પણ નિષ્ફળ રહ્યા હોવાનો વિપક્ષે સુર વ્યક્ત કર્યો હતો.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી