



દહેજની મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગી, તમામ તૈયાર માલ બળીને ખાખ, પ્લાન્ટ બંધ હોવાથી જાનહાની ટળ
દહેજમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં શનિવારે મધરાતે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને પગેલે છ થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોણા બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કંપનીના ત્રણેય પ્લાન્ટ 8 દિવસથી બંધ હોવાથી કોઈ જાનહાની નોંધાઇ નથી.
દિવાળીના તહેવારોમાં જ દહેજમાં આગની ઘટનાથી ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા. મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ત્રણ પ્લાન્ટ આવેલા છે. ગત 15 ઓક્ટોબરથી પ્લાન્ટ બંધ છે. આ દરમિયાન શનિવારે રાતે 12.30 કલાકે ફિનિશ્ડ ગુડ્ઝના વેરહાઉસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. વેરહાઉસમાં રહેલા તૈયાર પીગમેન્ટ બીટા બ્લ્યુના સહિત અન્ય સામાનના કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ ઇન્ડસ્ટ્રીયલ સેફટી, પોલીસ, જીપીસીબીને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યાં હતા. આસપાસની કંપનીના 6 થી વધુ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પોણા બે કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. જોકે, વેરહાઉસ અને તેમાં રહેલો તમામ તૈયાર પ્રોડક્ટ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ અને ઘટના અંગે વધુ તપાસ ઇન્ડસ્ટ્રીયલ સેફટીના ડેપ્યુટી ડિરેક્ટરે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે , કંપનીમાં ત્રણ પ્લાન્ટ આવેલા છે, દિવાળીના તહેવારોને લઇ 15 ઓક્ટોબરથી જ પ્રોડક્શન અને ત્રણેય પ્લાન્ટ બંધ છે. કંપનીમાં આગની ઘટના સમયે માત્ર સિકિયોરિટી ગાર્ડ જ હોય દિવાળી ટાણે જ મોટી હોનારત સર્જાતા ટળી ગઈ હતી.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી