ભરૂચમાં જવેલર્સને ત્યાં ચોરી કરી ભાગેલા ચાર તસ્કરો પૈકી ત્રણને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યા
ભરૂચના વડાપડા ખાતે આવેલા અંબિકા બેન્ગલ્સ નામની જવેલર્સની દુકાનમાંથી 4 તસ્કરો રવિવારે ધોળે દિવસે સોનું થેલીમાં ભરી ભાગ્યા હતા. જવેલર્સ પ્રદીપ ભાઈએ બુમરાણ મચાવતા આજુબાજુ રહેલી પબ્લિક પણ તસ્કરો પાછળ દોડી હતી. બી ડીવીઝન વિસ્તારમાં બનેલી ઘટનામાં ત્રણ ચોરને લોકોએ એ ડીવીઝનની હદ એવા કંસાર વાડમાંથી પકડી લીધા હતા. લોકોએ ત્રણેય તસ્કરોને મેથી પાક પણ ચખાડ્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતા. તસ્કરો એ પેહલા ફરાર સાગરિત સોના ભરેલી થેલી લઇ જતો રહ્યો હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. બાદમાં પોલીસની સ્થળ પૂછપરછમાં દોડતા દોડતા થેલી રસ્તામાં જ ફેકી દીધી હોવાનું કેહતા પોલીસ, પબ્લિક અને જવેલર્સ થેલી શોધવા ધંધે લાગી ગયા હતા. જોકે, હજુ સુધી સોના ભરેલી થેલી અંગે કોઈ વિગત બહાર આવી નથી. પોલીસ હાલ તો આ અંગે શોધખોળ અને વધુ તપાસ ચલાવી રહી છે. જે બાદ જ તમામ વિગતો બહાર આવી શકશે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી