Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચનું સાચું સોનું:સોનાનો પથ્થર અને ગોલ્ડનબ્રિજ હવે માત્ર જોવાલાયક સ્થળ બન્યાં

ભરૂચનું સાચું સોનું:સોનાનો પથ્થર અને ગોલ્ડનબ્રિજ હવે માત્ર જોવાલાયક સ્થળ બન્યા

 

ભૃગુઋષિએ પોતાના 18 હજાર શિષ્યો સાથે આવીને અહીં વસવાટ કર્યો હતો. વસંતપંચમીએ કાચબાની પીઠ પર વસેલા આ શહેરને ભુગૃકચ્છ તરીકે ઓળખવામાં આવે છે. આજે ઘનતેરસના પાવન પર્વએ આપણે સૌ લક્ષ્મીજીની પુજા અર્ચના કરીશું ત્યારે આજે અમે તમારા સ્મૃતિપટ ઉપર ભરૂચની બે એવી વસ્તુઓની ઓળખ તાજી કરવા જઇ રહયાં છે જે સાચા અર્થમાં આજે પણ ગોલ્ડન છે.

ભરૂચની યુકો બેંક પાસે આવેલો સોનાનો પથ્થર અને નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રિજ. સોનાના પથ્થર પાસે રહેતાં ચૌહાણે જણાવ્યું હતું કે, ઐતિહાસિક પથ્થરને અમે રંગરોગાન કરાવ્યું છે. આજે પણ લોકો આ પથ્થરને જોવા માટે આવી રહ્યાં છે. ભરૂચની આગવી ઓળખ સમાન બીજી વસ્તુ એટલે ગોલ્ડનબ્રિજ. ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં ગોલ્ડનબ્રિજ હાલ સુમસાન બની ગયો છે. કારણ કે ગોલ્ડનબ્રિજની બાજુમાં બનેલાં નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયો છે. ધન તેરસે આપણે સૌ સોનાનું પુજન કરીશું ત્યારે આ બંને વસ્તુઓની જાળવણી માટે સંકલ્પ પણ કરીએ.

જૂના ભરૂચમાં દેસાઇજીની હવેલીની બહારની દિવાલ પર યુકો બેંકની રોડ તરફની દિવાલ પાસે આશરે 30 કીલો વજનનો પથ્થર સોનાના પથ્થર તરીકે ઓળખાય છે. આ હવેલીના માલિક કલ્યાણરાય હકુમતરાય દેસાઇજી હતાં. 1892માં તેમનું નિધન થતાં તેમનો વારસો પુત્ર વિષ્ણુપ્રસાદને મળ્યો હતો. આ દિવાલ પાસે વળાંક વાળો રસ્તો હોવાના કારણે જયારે વાહનો વળાંક લે ત્યારે આ પથ્થર અડચણરૂપ બનતો હતો. આ પથ્થર હટાવવા માટે ભરૂચ મ્યુનિસિપાલીટીએ દેસાઇજીને નોટીસ મોકલી હતી. આ નોટીસની સામે વિષ્ણુપ્રસાદે દિવાની કોર્ટમાં દાવો માંડયો હતો.

આ કેસમાં હાર થતાં મ્યુનિસિપાલીટીએ મુંબઇ હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમાં પણ મ્યુનિસિપાલીટી હારી જતાં કેસ પ્રીવી કાઉન્સિલમાં પહોંચ્યો હતો.ત્યાં પણ મ્યુનિસિપાલીટીને હારનો સામનો કરવો પડયો હતો. આ કેસમાં બંને પક્ષે ભરૂચના અગ્રગણ્ય નાગરિકો સાક્ષી તરીકે હાજર રહયાં હતાં. મ્યુનિસિપાલીટીની હાર થતાં આ પથ્થર હટાવી શકાયો ન હતો અને આજે પણ આ પથ્થર હયાત છે. દેસાઇ પરિવાર અને ભરૂચ મ્યુનિસિપાલીટી વચ્ચે ચાલેલા કેસ પાછળ પથ્થરના વજન જેટલું સોનું આવે તેટલો ખર્ચ થયો હોવાથી આ પથ્થર સોનાના પથ્થર તરીકે ઓળખાય છે.

નર્મદા નદી પર સૌ પ્રથમ પુલનું બાંધકામ ઇસ 1860ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું. પુલની ડીઝાઇન વસઇના પુલ જેવી હતી. એના થાંભલઓ વચ્ચે 67 ગાળા હતાં અને પુલના થાંભલા કાસ્ટ આર્યનના બનેલાં હતાં. 1863માં નદીમાં આવેલાં પુરના કારણે પુલને ભારે નુકશાન થયું હતું અને 6 ગાળા પાણીમાં ખેચાઇ ગયાં હતાં. 1868માં પણ પુલ પુરના પાણીમાં ધોવાઇ ગયો હતો. 1860 થી 1871 સુધી આ પુલ પાછળ 46.93 લાખ રૂપિયાનો ખર્ચ થઇ ચુકયો હતો.

આખરે 7મી ડીસેમ્બર 1877ના રોજ નર્મદા નદી પર 14 ફુટ પહોળા ગોલ્ડનબ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. 18મી મે 1881ના રોજ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલને નર્મદા બ્રિજ નામ આપવામાં આવ્યું હતું પણ આ પુલના નિર્માણકાર્ય અને ત્યાર પછીના સમારકામ પાછળ આશરે 3.07 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ગયો હોવાથી આ પુલને ગોલ્ડનબ્રિજ નામ આપવામાં આવ્યું હતું.

 

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરમાંવિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું

bharuchexpress

કંબોડીયા ગામે વીજલાઇનમાં શોર્ટસર્કિટથી શેરડી બળીને ખાખ

bharuchexpress

ભરૂચ જિલ્લા ભાજપાના કસક કાર્યાલય ખાતે પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તાએ ભરૂચના પત્રકાર મિત્રોની લીધી શુભેચ્છા મુલાકાત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़