



અંકલેશ્વરમાં દેસાઈ ફળિયા વિસ્તારમાં પીપળાનું મોટું વૃક્ષ ધરાશાયી; સ્થાનિકોમાં દુઃખની લાગણી ફેલાઈ
અંકલેશ્વરમાં દેસાઈ ફળિયા વિસ્તારમાં 200 વર્ષથી પણ જૂનું પીપળાનું મોટું વૃક્ષ ધરાશાયી થઇ જવા પામ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની પહોંચવા પામી નથી. વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકોમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી હતી.
અંકલેશ્વરના જુના અંકલેશ્વર તરીકે ઓળખાતા દેસાઈ ફળીયા વિસ્તારમાં લોકોની લાગણી અને લોકોના સુખ- દુઃખના સાથી બનેલા 200 વર્ષ જૂનું પીપળાનું ઝાડ અચાનક ધરાશાયી થઇ જવા પામ્યું છે. અંહિયાના સ્થાનિક રહીશો દ્વારા પીપળાની જાળવણી માટે મંદિર સાથે તેનો આજુબાજુ ઓટલો બનાવ્યો હતો. જેના પર બેસીને અહિંયાના સ્થાનિક લોકો તેની પૂજા પણ કરી રહ્યાં હતાં. ત્યારે ધાર્મિક આસ્થા સાથે લોકોના શુભ-અશુભ કે પછી સુખ-દુઃખના ભાગીદાર બનનાર વૃક્ષ ધરાશાયી થઇ જતા લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી હતી. મહાકાય પીપળાના વૃક્ષ અચાનક મૂળમાંથી જ નીચે પડ્યું હતું. જેના કારણે આજુબાજુમાં ખુલ્લી જગ્યાને લઇ કોઈ જાનમાલને નુકસાન થયું ન હતું. આ ઘટના અંગે પાલિકાને જાણ કરવામાં આવતા તેમના દ્વારા આ વૃક્ષને હટાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.