ભરૂચમાં યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યો તો પ્રેમીએ યુવતીની સગાઈ તોડાવી પજવણી શરૂ કરી, પોલીસ ફરિયા
ભરૂચની યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાખતા પ્રેમીએ તેની સગાઇ તોડાવી પજવણી કરતો હોવાનું પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચના માતરીયા તળાવ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને દોઢ વર્ષ પહેલા કરજણ તાલુકાના મંજુલા ગામના જીતેન્દ્ર દિલીપ ઠાકુર સાથે વોટ્સએપમાં સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને વચ્ચે અવારનવાર વાતચીત અને મુલાકાત થતી હતી. તે દરમિયાન યુવતીની વલસાડ ખાતે રહેતા સમાજના યુવાન સાથે સગાઈની વાત ચાલતી હતી.
આ અંગેની જાણ પ્રેમી જીતેન્દ્ર ઠાકુરને થતા તેણે ગત તારીખ 6 ઓક્ટોબરે યુવતીના ઘર આગળ આવી નવું સીમ કોના જોડે વાત કરવા લીધું છે. તું મારી છે અને હું તને રાખવાનો છું તેમ કહી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો અને બીજા દિવસે સગાઈની વાત ચાલતી હતી તે યુવાનનો સંપર્ક કરી સગાઇ તોડાવી નાખી હતી. આ પ્રેમી અવારનવાર હેરાનગતિ નહિ કરે તે માટે અગાઉ અરજીરૂપી ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પજવણી કરતા આખરે કંટાળી ગયેલ યુવતીએ પ્રેમી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.