પુષ્ય નક્ષત્રને પગલે આજે ભરૂચમાં અનેરો ઉત્સાહ, જવેલર્સની દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ જામી
દિવાળી પહેલા ખરીદી માટે પુષ્ય નક્ષત્ર શુભ યોગ માનવામાં આવે છે. આ દિવસ વિશે કહેવાય છે કે, વણજોયું મુર્હૂત હોય છે, ત્યારે આજે પુષ્ય નક્ષત્રના દિવસે દરેક સારા મુર્હૂત હોવાથી લોકો ગાડી, ઘરેણાં કે ઘર સહિતની કોઈપણ સારી વસ્તુ ખરીદશે. ત્યારે આજના શુભ દિવસે શુભ મુર્હૂતમાં ભરુચવાસીઓએ પણ સોનાની ખરીદી કરી શુકન કર્યા હતા. ભરુચની વિવિધ જ્વેલર્સ શૉપમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ લાખો રૂપિયાની સોનાની ખરીદી કરી હતી.
એવું પણ કહેવાય છે કે શુભ યોગમાં રોકાણ કરવાથી ધનમાં વધારો થાય છે. જેમાં મકાન, જમીન, વાહન, દાગીના સહિત અન્ય વસ્તુઓની ખરીદી કરવી શ્રેષ્ઠ છે.કોરોનાના કપરા સમય બાદ આ દિવાળી ઉજવાતી હોવાથી ગ્રાહકો અને વેપારીઓમાં જોરદાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચના જાણીતા કલામંદિર જ્વેલર્સમાં મેનેજર રોનિશ શાહે જણાવ્યુ હતું કે, દિવાળી પૂર્વેના આ શુભ મુર્હૂત દરેક શુભ કાર્યો કરવા માટે ઉત્તમ ગણાય છે. ત્યારે લોકોએ આજે સોના- ચાંદીની ખરીદી કરી શુકન કર્યા હતા. કલામંદિર જ્વેલર્સ ખાતે આજના દિવસે અંદાજે સાડા ત્રણ કરોડ જેટલા સોનાનું વેચાણ થયું છે.