ભરૂચના વોર્ડ નંબર-૩માં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં નવી ગટર છલકાઈ
ભરૂચ શહેરમાં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં નવી નાખેલી ગટર લાઈન ઓવરફ્લો થતાં વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા 1 મહિના ઉપરાંતથી ભરૂચ શહેરમાં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં પ્રજાની સુખાકારી માટે નાખેલી ભૂગર્ભ ગટર લાઈન માથાનો દુખાવો બની છે. આ સોસાયટીમાં ઉભરાતી ગટરના દુષિત પાણીના પગલે સ્થાનિકો હેરાન-પરેશાન બન્યા છે. આ અંગે સ્થાનિક નગર સેવકોને જાણ કરતા તેઓ સ્થળ પર આવ્યા હતા ખરા પણ તેઓએ સ્થાનિકોના લીધે જ ગટર ઉભરાતી હોવાના તારણ કાઢતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને વધુમાં રહીશોએ સ્વખર્ચે જ તેની કામગીરી કરવી પડશે તેમ કહી જતા રહ્યા હતા.
સ્થાનિકોએ નગર સેવક નરેશ સુથારવાલા ઉપર આક્ષેપ કર્યો છે કે, તેઓએ પાલિકામાં જાઓ કે મીડિયા પાસે કામ તો મારે કરવાનું છે. તેમ કહેતા જ લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. ત્યારે લોકોના સુખાકારી માટે બનાવેલી ગટર હાલ માથાનો દુખાવો બની છે. તેવા સમયે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.