



ભરૂચ-નર્મદામાં પુષ્ય નક્ષત્રના દિવસે લોકોએ 10 કરોડનું શુકનનું સોનું ખરીદ્યું
ભરૂચ- નર્મદા જિલ્લામાં આજે મંગળવારે પુષ્ય નક્ષત્રના દિવસે જ્વેલર્સની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં રૂપિયા 7થી 8 કરોડ તેમજ નર્મદા જિલ્લામાં અંદાજે બે કરોડથી વધુના સોના – ચાંદીના દાગીના વેચાયાં હતાં.આંગળીઓના વેઢે ગણી શકાય એટલાં દિવસ બાકી છે. ત્યારે મંગળવારે પુષ્ય નક્ષત્રના દિને સોના-ચાંદીની ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. પુષ્ય નક્ષત્ર યોગ હિમત, તાકાત, સંભાળ, વૈભવી, નસીબ, અને સફળતા દર્શાવે છે. પુષ્ય અમૃત યોગ સંપત્તિની દેવી લક્ષ્મીની પૂજા માટે એક ઉત્તમ દિવસ છે. જેને કારણે દિવસે લોકો સોનામાં તેમના નાણાં રોકાણ કરતાં હોય છે.
દિવસે સોનાની ખરીદી કરનાર ઉપર લક્ષ્મીનાં આશિર્વાદ હોય છે. તેવી એક ધાર્મિક માન્યતા છે. જેને પગલે પુષ્ય નક્ષત્રના દિવસે લોકો નાની- મોટી સોનાની વસ્તુની ખરીદી કરતાં હોય છે. આજે મંગળવાર પણ પુષ્ય નક્ષત્રનો યોગ હોવાને કારણે દિવસભર ભરૂચ અને નર્મદા જિલ્લાની જ્વેલર્સની દુકાનો ઉપર સોનુ ખરીદનારાઓની ભારે ભીડ જોવા મળી હત. ભરૂચ જિલ્લામાં 500થી વધુ જ્વેલર્સની દુકાનો આવેલી છે જે પૈકી ભરૂચ શહેરમાં 150થી વધુ જ્વેલર્સની દુકાનો છે. ઉપરાંત મોટા શોરૂમ પણ આવેલાં છે. નાની દુકાનોથી માંડી મોટા શોરૂમમાં લોકોની ભારે ભીડ જામી હતી.ભરૂચ જિલ્લામાં રૂપિયા 7થી 8 કરોડ તેમજ નર્મદા જિલ્લામાં અંદાજે બે કરોડથી વધુના સોના – ચાંદીના દાગીના વેચાયાં હતાં.