કેવડિયામાં પીએમના પોસ્ટર્સની સુરક્ષા માટે હોમગાર્ડસ મૂકાયાં
કેવડીયામાં 20મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઇ રહયું છે ત્યારે કેવડીયા કોલોનીમાં વિવિધ સ્થળોએ લાગેલા તેમના જુના તેમજ નવા પોસ્ટર્સની પાસે હોમગાર્ડસની 24 કલાકની ડયુટી લગાવી દેવામાં આવી છે.નર્મદા જિલ્લાના કેવડીયામાં આજે બુધવારથી વિવિધ મિશન પર તૈનાત ભારતીય રાજદુતો તથા ઉચ્ચઆયુકતોની ચાર દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ થવા જઇ રહયો છે અને આ કોન્ફરન્સમાં તારીખ 20મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવા જઇ રહયાં છે. ત્યારે કેવડીયામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.
યુએનના જનરલ સેક્રેટરી સહિતના મહેમાનોની હાજરીના પગલે અત્યારથી જ કેવડીયાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં કેવડીયામાં દેશના કાયદા મંત્રીઓની કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેના સંદર્ભમાં કેવડીયામાં વિવિધ સ્થળોએ વડાપ્રધાન મોદીના ફોટાવાળા બેનર્સ લગાવવામાં આવ્યાં હતાં પણ કેટલાય સ્થળોએ બેનર્સ ફાડી નાખવામાં આવ્યાં હતાં. બેનર્સ ફાડવાની ઘટનાનો અર્થ એ થાય છે કે સ્થાનિકોમાં કયાંકને કયાંક હજી વડાપ્રધાન પ્રત્યે રોષની લાગણી છે.
હવે 20મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવી રહયાં છે ત્યારે કેવડીયામાં વડાપ્રધાનના જેટલા પણ બેનર્સ છે તેની ફરતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ બેનર્સ ફરતે હોમગાર્ડસના જવાનો 24 કલાક તૈનાત રહશે. આખા કેવડિયા અને ગરુડેશ્વરમાં 150 જેટલા બેનરો હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે અને તેની સુરક્ષા માટે 100 થી વધુ હોમગાર્ડ ફાળવવામાં આવ્યાં છે.
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ અનેક આદિવાસીઓને તેમની જમીનો વિવિધ પ્રોજેકટોમાં ગુમાવી દીધી છે. જમીન વિહોણા બનેલા આદિવાસીઓમાં સરકાર પ્રતિ ભારોભાર રોષની લાગણી છે અને તેઓ છાશવારે વિરોધ પ્રર્દશન કરે છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રોજેકટમાં કામ કરતાં કર્મચારીઓમાં પણ પગાર સહિતના મામલે રોષ ફેલાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે કેવડિયા આવશે, સવારે 9 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચશે. કેવડીયા ખાતેથી તેઓ મિશન લાઈફનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત પર્યાવરણ માટે જીવનશૈલી અભિયાનની પણ શરૂઆત કરાવશે. તેઓ મિશન લાઈફ એટલે કે લાઈફસ્ટાઈલ, હેન્ડબુક, લોગો ફોર ધ એન્વાયર્નમેન્ટ ટેગ લાઈન લોન્ચ કરશે.