અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે પાલિકા કર્મચારીઓની હડતાળના પગલે પાલિકા વિસ્તારની જનતાને ગંદકી, સફાઈ, લાઈટો તેમજ રીપેરીંગ સહિતના કામો અટકી પડતાં શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળની આગેવાનીમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સરકારને વર્ષો જૂના પડતર પ્રશ્નો જેવા કે, જૂની પેન્શન યોજના લાગુ કરવી, પાલિકા કર્મીઓને પંચાયતના કર્મચારીની જેમ તમામ લાભ આપવા, રોજમદાર કર્મચારીઓ માટે અલગ નીતિ બનાવવી, ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી વિવિધ માંગણી અને પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના કાયમી અને રોજમદાર મળી 200 ઉપરાંત કર્મચારીઓએ રાજ્ય કક્ષાના બંન્ને મહામંડળને સમર્થન જાહેર કરી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર ટાણે અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારી હડતાળ ઉપર ઉતરી જતાં શહેરભરમાં ગંદકી, સફાઈ, લાઈટો તેમજ રીપેરીંગ,અને પાણી પુરવઠા સહિતના કામો અટકી પડતાં શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.