



અંકલેશ્વર શહેરના બાપુનગર ઓવર બ્રિજ નજીકથી રોડ ક્રોસ કરતા એક ઇસમને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ મામલે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરના અંદાડા ગામમાં આવેલા તુલસીનગર નગરમાં 59 વર્ષીય જયેશ નરસિંહભાઈ પટેલ પોતના પુત્ર સાથે રહે છે. તેઓ ગત 17મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર શહેરમાં કોઈ અર્થે ગયા હતા. તે સમયે સવારના 11 વાગ્યાના સુમારે તેઓ બાપુનગર બ્રિજ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ફૂલ સ્પીડે અને ગફલત ભરી રીતે ગાડીને હંકારી લાવીને જયેશભાઇને ટક્કર મારીને ભાગી ગયો હતો. ગાડીની ટકકરે જયેશભાઇને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગેની જાણ તેમના પુત્ર સાહિલને અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.પોલીસે ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર વાહન ચાલકને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી છે.