ભરૂચમાં સામી ચૂંટણી ટાણે તવરા ગામની 5 ટીપી સ્કીમને લઈ હવે ભાજપ સરકાર ખેડૂતોના વધુ એક વિરોધનો ભોગ બની રહી છે.આજે સોમવારે ગ્રામજનોએ શક્તિનાથથી રેલી કાઢી કલેકટરને આવેદન આપી ટીપી રદ કરો નહિ તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા હાલમાં જ તવરા ગામની પાંચ ટીપી સ્કીમનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેના માટે ઓનર્સ મિટિંગનું પણ આયોજન કરાયું હતું.તવરામાં 680 હેકટરમાં આકાર લેનાર ટીપી સ્કીમમાં 40 ટકા જમીન કપાતમાં સરકાર છીનવી લેવાની હોવાને લઇ ગ્રામજનો અને ખેડૂતોએ બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તવરા ગામ ટીપી સ્કીમ વિરુદ્ધ સંઘર્ષ સમિતિ રચી આજે સોમવારે શક્તિનાથ ગ્રામજનો ભેગા થયા હતા. જ્યાંથી ટીપી રદ કરો નહિ તો ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે કલેકટર કચેરી પોહચી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
સામી વિધાનસભા ચૂંટણી ટાણે વાગરા BJP ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ તવરા ગામના તેમના મતદારો એવા ગ્રામજનોના સમર્થનમાં આગળ આવ્યા હતા. તેઓએ જરૂર પડ્યે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજુઆત કરી ટીપી સ્કીમ રદ કરાવવાનું જણાવ્યું હતું.
જ્યારે ગ્રામજનોએ ટીપી સ્કીમ રદ નહિ કરાઈ તો અમે ના છૂટકે આપના કેજરીવાલને દિલ્હીથી અને ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતને બોલાવવા સુધીનો સુર આલાપી દીધો છે. સાથે જ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે એક પણ પક્ષને ગામમાં પ્રવેશવામાં નહિ આવે તેવી ચીમકી આપી આગામી સમયમાં ટીપી રદ ન કરાઇ તો બૌડામાં સમાવિષ્ટ 89 ગામના ખેડૂતોને પણ આંદોલનમાં જોડવાનું એલાન કરી દીધુ છે. ભરૂચમાં છ વર્ષ પહેલાં બૌડાના વિરોધમાં ખેડૂતોએ જંગી રેલી કાઢી હતી. હવે ચૂંટણી ટાણે તવરા ગામની ટીપી સ્કીમ ગરમાયેલા રાજકારણ વચ્ચે કેવો વળાંક લે છે તે જોવું રહ્યું. જો કે, બૌડાના ચેરમેન અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ખાતરી આપી હતી કે, તવરાના ગ્રામજનોનું અહિત નહિ થાય. એક એક ખેડૂતની ઈચ્છા મુજબ જ બૌડા કામગીરી કરશે.