ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો ઐતિહાસિક ચુકાદો આપતા ઈન્ડિગો એરલાઇન્સને અંકલેશ્વરના ગ્રાહકને રિફંડ આપવા હુકમ કર્યો હતો. કોરોના કાળ પૂર્વે અંકલેશ્વરના પરિવારના 16 સભ્યો ટિકિટ બુક કરાવી કોલકાત્તા જવાના હતા. પરંતુ કોરોના કાળને લઇ ટિકિટ કેન્સલ કરાવતા કેન્સલ ટિકિટનું રિફંડ નહિ આપતા ગ્રાહકે ભરૂચની ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કોર્ટ દ્વારા તમામ પુરાવા ચકાસી રીફડ, માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચના રૂપિયા પરત આપવા હુકમ કર્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા યુપીએલ કોલોની ખાતે રહેતા પીનેશ કરમશીભાઇ મોરડીયા ગત 19 મી માર્ચ 2020ના રોજ સુરતથી કલકત્તા જવા માટે 16 ટિકિટ બુક કરાવી હતી. જેના રૂ. 50 હજાર રૂપિયા પણ ઓનલાઇન ક્રેડિટ કાર્ડ વડે ચૂકવ્યા હતા. જો કે તે સમય દરમિયાન દેશમાં કોરોનાને લઇ સર્જાયેલી સ્થિતિ વચ્ચે તેમને ટિકિટ કેન્સલ કરાવી હતી. જે બાદ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ટિકિટનું રિફંડ નહિ આપતા અંતે આ અંગે પીનેશ મોરડીયાએ ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કર્યો હતી. આ ફોરમના પ્રમુખ એમ.એચ.પટેલ અને આર.એન.જાદવ ની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.જેમાં કોર્ટે અરજદાર તરફી એડવોકેટ સંદીપ જગુવાલા દ્વારા ફોરમ સમક્ષ જરૂરી પુરાવા અને દલીલ રજુ કરી હતી. જો કે સામે પક્ષે પણ આ કેસ ભરૂચ ફોરમમાં આવતો નહિ હોવાની બચાવમાં દલીલ કરી આ કેસ દિલ્હી ખાતે ચલાવવા માગ કરી હતી.
જોકે કોર્ટે તમામ દલીલો અને સરકારના નવા કાયદાના આધારે સજ્જડ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી ફોરમના પ્રમુખ એમ.એચ.પટેલ અને આર.એન.જાદવ ઈન્ડિગો એરલાઇન્સને રિફંડ રૂપે રૂ. 46 હજાર 905 તેમજ 7% સાદા વ્યાજ સાથે બે માસમાં ચૂકવવા હુકમ કર્યો હતો. તેમજ માનસિક ત્રાસ માટે 3 હજાર રૂપિયા અને કાનૂની ખર્ચ માટે 3 હજાર રૂપિયા ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એરલાઇન્સ કંપની દ્વારા માત્ર એક જ ટિકિટનું રીંફડ કર્યું હતું અને અન્ય ટિકિટ કેન્સલ નહિ કરાવી હોવાથી તેનું રીફડ ચૂકવવા પાત્ર નહિ હોવાની પણ દલીલ કરી હતી. જે કંપની દ્વારા મેલ આધારિત વ્યવહારમાં ટિકિટ કેન્સલ કરાવી હોવાનું સામે આવ્યું હતું.