આમોદ તાલુકાના ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક દ્વારા અચોક્કસ મુદતની હડતાળ
પડતર માંગણીઓ નહીં સંતોષતા રાજ્ય મંડળના આદેશ અનુસાર હડતાળ
આમોદ તાલુકા પંચાયતમાં લેખિત આપી રજુઆત કરી
આમોદ તાલુકાના ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરી રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી છે. અગાઉ ગ્રામ્ય કોમ્યુટર સાહસિક (VCE) દ્વારા પંચાયત મંત્રી સાથેની બેઠક તેમજ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં માંગણીઓ સંતોષવાની બાંહેધરી મળતાં હડતાળ મોકૂફ રાખી હતી. છતાં આઠ મહિના પછી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામ્ય કોમ્યુટર સાહસિકો દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજનાઓની કામગીરી કરવામાં આવી રહી છે. છતાં રાજ્ય સરકાર દ્વારા ન્યાય આપવામાં આવતો નથી.જેથી VCE દ્વારા અચોક્કસ ની હડતાળ કરી પોતાની પડતર માંગણીઓ જેવી કે ઇ ગ્રામ પોલીસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સરકારી કર્મચારી જાહેર કરી વર્ગ-૩ માં સમાવેશ કરવામાં આવે,સરકારી લાભો અને રક્ષણ આપી સમાન કામ સમાન વેતન આપવામાં આવે,જોબ સિક્યુરિટી અને છુટા કરેલ VCE ને પરત લેવા જેવી માંગણીઓ સાથે તાલુકા પંચાયત આમોદને લેખિત આપ્યું હતું. તેમજ આમોદ -જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને પણ લેખિત આપ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને પથરીનો દુખાવો થતો હોય તેવો જંબુસરના ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે છતાં કોમ્પ્યુટર સાહસિકોની તેમણે આવેદનપત્ર સ્વીકારી સરકારમાં રજુઆત કરવાની બાંહેધરી આપી હતી.
રીપોર્ટ: યુસુફ શૈખ