રખડતા ઢોર મામલે હાઈકોર્ટે લાલા આંખ કરતા કોર્પેરેશને રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરી છે. છેલ્લા એક સપ્તાહથી આ ઝૂંબેશ ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં 6 દિવસમાં 700થી વધુ રખડતા ઢોર પકડાયા છે તે છતાં પણ રસ્તે રઝળતા ઢોર જોવા મળી રહ્યા છે.
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં 3 સિફ્ટમાં 21 ટીમો કામ કરી રહી છે છતાં પણ વસ્ત્રાપુર, ઘાટલોડીયા, બાપુનગર સહીતના વિવિધ વિસ્તારોમાં ઢોર જોવા મળી રહ્યા છે. ઢોર માલિકો દ્વારા એએમસીની ટીમ પર દાદાગીરી પણ કરવામાં આવી રહી છે જેથી પોલીસનો સહારો લઈને ઢોર પકડીને ડબ્બે પુરવામાં આવી રહ્યા છે. છતાં પણ હજુ ઢોર શહેરમાં રખડતા જોવા મળી રહ્યો છે.
ઢોર પકડવાની કામગિરીમાં અગાઉ ઢીલી નિતી રાખવામાં આવી હતી જેના કારણે છૂટોદોપ પશુ માલિકોને મળી ગયો હતો. કોર્ટની ટકોર બાદ આ કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે. ઢોરવાળાઓમાં અત્યારે પશુઓ ડબ્બે પુરવામાં આવી રહ્યા છે પરંતુ ઢોરવાળા એક બાજુ ફૂલ થઈ રહ્યા હોવાથી નરોડા સહિતના વિસ્તારોમાં 3 નવા ઢોરવાળા બનાવવામાં આવશે.
સીએનસીડી ડીપાર્ટમેન્ટ દ્વારા જે ઢોર પકડાયા છે તે ત્રણ મહિના સુઘી છોડવામાં નહીં આવે. આ ઉપરાંત જે અડચણરુપ રહેશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં જાહેરામાં ઘાસચારો વેચનાર, ઢોર પકડવામાં અડચણરુપ બનનાર 90થી વધુ લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે વધુ સઘન કામગિરી આ મામલે કરવામાં આવશે. ખાસ કરીને વિવિધ વિસ્તારોમાંથી અત્યારે 24 કલાક ઢોર પકડવામાં આવી રહ્યા છે. ત્યારે કોર્ટે પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.