ભરૂચમાં 24 કલાકમાં દારૂના 97 કેસ, 11.88 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ શહેર જિલ્લામાં પોલીસ દ્વારા સતત પ્રોહિબિશનના કેસ કરવામાં આવી રહ્યાં છે. જેના પગલે છેલ્લાં 24 કલાકમાં જ પોલીસ દ્વારા શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દેશી-વિદેશીદારૂના વેપલા પર તવાઇ બોલાવી 97 કેસ કરી 75 આરોપીઓને ઝડપી પાડ્યાં છે. જ્યારે 28 લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે. પોલીસે બુટલેગરો પાસેથી કુલ 11.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બોટાદ લઠ્ઠાકાંડને લઇને ભરૂચ જિલ્લા પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી છે. ચારેક દિવસથી સતત પોલીસ દ્વારા બુટલેગરો સામે કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ પોલીસે જિલ્લાભરમાં 97 કેસ કર્યાં હતાં. જેમાં પોલીસે 31 લિસ્ટેડ બુટલેગર સહિત કુલ 75 બુટલેગરોની ધરપકડ કરી છે. જ્યારે દારૂના વેપલામાં સંડોવાયેલાં અન્ય 28 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કુલ 103 બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 11.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં પોલીસે વિદેશીદારૂના 5 કેસ કર્યાં હતાં.
જેમાં એક લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે 5ને ફરાર જાહેર કર્યાં હતાં. ટીમોએ કુલ 4843 લીટર વિદેશીદારૂ તેમજ વાહનો સહિત કુલ 11.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બીજી તરફ જિલ્લામાં દેશીદારૂની ભઠ્ઠીઓ તોડી પાડવા સાથે બુટેલગરો વિરૂદ્ધ 92 કેસ કર્યાં હતાં. જેમાં પોલીસે કુલ 407 લીટર દારૂ મળી કુલ 14 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા સતત પ્રોહિબિશનના કેસ કરી શહેરમાં ચુસ્ત દારૂબંધીનું પાલન કરવામાં આવે તેવા પ્રયાસ રહેશે.