ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા પાણીમાં 1 દિવસથી ફસાયેલા અસ્થિર મગજના યુવાનને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ બચાવ્યો
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે છાપરા પાટીયા પાસે રોડની સાઈડમાં આવેલા પાણીમાં એક અસ્થિર મગજનો વ્યક્તિ પડી ગયો હતો. ત્યારે આજે ત્યાંથી પસાર થતાં બે સાયકલલિસ્ટે બનાવની જાણ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટને કરતા ભારે જહેમત બાદ વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.
ભરૂચ અને અંકલેશ્વરના સાયકલલિસ્ટ નિલેશ ચૌહાણ અને સ્વેતા વ્યાસ રેગ્યુલર ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સાયકલિંગ કરવા નીકળે છે. તેઓ આજે શુક્રવારના રોજ પણ રાબેતા મુજબ સાયકલિંગ કરવા નીકળ્યાં હતા. તે સમયે છાપરા પાટીયા પાસે રોડની સાઇડમાં આવેલા પાણીમાં ગઈકાલ સાંજથી એક અસ્થિર મગજનો વ્યક્તિ ફસાઈ ગયો હતો. આ જોતા જ બંનેય સભ્યોએ એક પળનો પણ સમય વ્યર્થ કર્યા વગર જાગૃત નાગરીક તરીકે 108 એમ્બ્યુલન્સ તથા ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડ તથા રેસ્કયુ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ઇમરજન્સી ફાયર વિભાગની ટીમના લશ્કરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી.
ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડ તથા રેસ્કયુ ડિપાર્ટમેન્ટના જવાનોએ દોરડાં વડે નીચે પડી ગયેલી વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લાવ્યા હતા. ત્યાર બાદ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.