



ભરૂચ જિલ્લામાં દારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો, બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસની કાર્યવાહી
બોટાદ ખાતે સર્જાયેલાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોએ કેમિકલયુક્ત દેશીદારૂ પીવાથી મોતને ભેંટ્યા છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. એસપી ડો. લીના પાટીલ દ્વારા ખાસ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરાવવામાં આવી છે. જેમાં જિલ્લાના દરેક ગ્રામ્ય વિસ્તારમાં ચાલતાં દેશીદારૂના વેપલા પર પોલીસે તવાઇ બોલાવી છે. ઉપરાંત દેશીદારૂની ભઠ્ઠીઓ તોડવાની પણ કાર્યવાહી પોલીસે શરૂ કરી દીધી છે. ત્યારે પોલીસ દ્વારા છેલ્લાં 24 કલાકમાં 135થી વધુ કેસ કરવામાં આવ્યાં છે.
બોટાદની ઘટનાનું ભરૂચમાં પુનરાવર્તન થવાનો ભય લોકોમાં છે. ત્યારે પોલીસે જિલ્લામાં સંપુર્ણ દારૂબંધી માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યાં છે. બોટાદના લઠ્ઠાકાંડમાં 57 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેના પગલે ભરૂચ જિલ્લા પોલીસ પણ તુરંત હરકતમાં આવી ગઇ છે. જેના ભાગરૂપે એસપી ડો. લીના પાટીલ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોને તાકિદે સૂચના આપી પ્રોહિબિશન ડ્રાઇવ કરવા જણાવી દેવાયું છે.
જેના પગલે ભરૂચ જિલ્લામાં પોલીસે દરેક ગામડાઓમાં દારૂની ભઠ્ઠીઓનું ચેકિંગ શરૂ કરી દેવાયું છે. ઉપરાંત દેશીદારૂનો વેપલો કરનારાઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસે છેલ્લાં 24 કલાકમાં જ 135થી વધુ કેસ કરી 142 બુટલેગર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જે પૈકીના 108 ઝડપાઇ ગયાં છે. જ્યારે 34 બુટલેગરોને વોન્ટેડ જોર કરવામાં આવ્યાં છે.
ઝઘડિયા તાલુકાના દધેડા ગામેથી ગઇકાલે એલસીબીએ મુળ આંધ્રપ્રદેશનો અને હાલ દધેડા ગામે રહેતો પુટ્ટા સૈયદુલુ પુટ્ટા વેન્કટયાને હાથ બનાવટની નુકશાનકારક તાડી બનાવતો ઝડપી લીધો હતો. ઝડપાયેલો આરોપી તાડી બનાવવા સેકરીન સાઇટ્રીક એસિડ મોનોહાઇટ્રેટ, ચુનો, સફેદ પાવડર, લીંબુફુલ તેમજ અન્ય એક પીળો પદાર્થ, પાણી મિશ્રણ કરીને પીવાની નુકશાનકારક તાડી બનાવતો હોવાનું તપાસમાં માલુમ પડ્યું હતું.