ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પા સંતાડી રાખેલો દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ચકચાર મચાવી છે. અત્યાર સુધી 58 લોકોના મોત થઈ ચૂક્યા છે અને આ મોતનો આંકડો કેટલે જઈ અટકશે કંઈ નક્કી નથી. મોતના માતમથી અનેક પરિવારો વેર-વિખેર થઈ ગયા છે. રોજિદ ગામ સ્મશાનભુમીમાં ફેરવાઈ ગયું છે. લઠ્ઠાકાંડને પગલે દર એક કલાકે મોતના સમાચાર આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઝેરી દેશી દારૂની આ ઘટનાએ હાહાકાર મચાવી દિધો છે તેવામાં રહી રહીને તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યભરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે ત્યારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાલીયાના મેરા ગામેથી વિદેશી દારૂનો સંતાડેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પા ભરેલા બિયર નંગ 2976 કિંમત રૂપિયા 4.12 લાખ અને ટેમ્પની કિંમત 5 લાખ મળીને કુલ રૂ.9.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ દરેક જિલ્લાઓમાં પોલીસ એક્ટિવ બનીને પ્રોહીબિશન રેડ કરીને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ત્યારે ભરૂચ LCBની ટીમ પણ આવા કેસો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન માહિતી મળી હતી કે, અંકલેશ્વર નજીક આવેલા વાલીયાના મેરા ગામમાં રહેતા રમેશ વસાવાએ એક અશોક લેલન લોડીંગ ટેમ્પો નંબર GJ 05 BZ 8541 માં વિદેશી દારૂ ભરી પોતાના ઘર પાસે સંતાડી રાખ્યો છે.
જેના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા મેરા ગામે લીમડા ફળીયામાં માહિતીવાળો ટેમ્પો મળી આવ્યો હતો. પોલીસે તેની તલાસી લેતા તેમાં વિદેશી દારૂની નાની – મોટી બોટલ, બીયર ટીન નંગ 2976 સહીત કુલ રૂ.9,12,800 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી રમેશ માધવભાઇ વસાવાને પકડી તેની સાથેના હર્ષદ રહે,ડોલવાણ તા.બારડોલી અને અલ્પેશ રમેશભાઇ માધવભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે.