મિથેનોલ વપરાશકર્તા 350 યુનિટ પર પોલીસ તંત્રની નજર
બોટાદમાં થયેલાં લઠ્ઠાકાંડ બાદ મિથેનોલ નામનું કેમિકલ ચર્ચાની એરણે ચઢયું છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લામાં મિથેનોલનો વપરાશ કરતાં 350 જેટલા યુનિટ અને પંપો ઉપર પોલીસ નજર રાખી રહી છે. દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં જ બોટાદમાં લઠ્ઠાકાંડ થયો છે. દેશી દારૂના બુટલેગરોએ નશેબાજોને દારૂના બદલે સીધું કેમિકલ પીવડાવી દેતા તેમના ટપોટપ મોત થયાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અમદાવાદની એક કંપનીમાંથી મિથેનોલનો જથ્થો બુટલેગરો સુધી પહોંચાડવામાં આવતાં આ લઠ્ઠાકાંડ થયો હોવાનું તારણ સામે આવ્યું છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લામાં કેમિકલનું ઉત્પાદન કરતાં અનેક કારખાનાઓ આવેલાં છે ત્યારે પોલીસ સર્તક બની છે. ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, દહેજ અને ઝઘડીયા જીઆઇડીસીમાં ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે એવા 350 જેટલા યુનિટ અને પંપ શોધી નાંખ્યાં છે કે જેમાં મિથેનોલનો વપરાશ થાય છે.
એસઓજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભરૂચમાં મિથેનોલનું ઉત્પાદન કરતી ફેકટરીઓ નહિવત છે પણ તેનો વપરાશ કરતી કંપનીઓ વધારે છે. મિથેનોલનો વપરાશ કરતી કંપનીઓને મિથેનોલના જથ્થાનો હિસાબ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની કંપનીઓ તેમની જરૂરીયાત પ્રમાણે મિથેનોલ મંગાવતી હોય છે.