ભરૂચ-નર્મદા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી સંભવત: પૂરનો ખતરો, બન્ને જિલ્લાના 5 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં તો હાલ ભારે વરસાદ નથી વરસી રહ્યો પણ ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જેથી ભરૂચ અને નર્મદા જિલ્લાના હાઈ એલર્ટ 5 પૈકી 3 ડેમ છલકાઈ રહ્યા છે. જ્યારે 2 ઓવરફ્લો થવાની કગારે આવીને ઊભા છે. ચોમાસાની મોસમમાં આ વખતે ભરૂચ જિલ્લાના મધ્યમ સિંચાઇના આવેલા ત્રણે ડેમ પૈકી એક છલકાઈ ઉઠ્યો છે જ્યારે 2 ડેમ તૈયારીમાં છે. પિંગુટ ઓવરફ્લો થયો છે. ત્યારે બલદેવા અનવ ધોલી ગમે ત્યારે છલકાઈ શકે છે. ત્રણેય ડેમમાં બારા નથી તેથી છલતી (સૂપડા)માંથી વધુ વરસાદમાં ઓવરફલો થઇ પાણી વહી જાય છે.
મધુવંતી નદી ઉપર આવેલો ધોલી ડેમ હાલ છલકાતા 478 ક્યુસેક પાણી નદીમાં ઠાલવી રહ્યો છે. જેને લઈ 10 ગામો એલર્ટ કરાયા છે. નેત્રંગ તાલુકામાં પિગુટ ગામ પાસે આવેલ પિગુટ ડેમ 91.01 % હાઈએલર્ટ સ્ટેજે ભરાઇ ગયો છે. પાણીની આવક વધતા 100 % ઉપર જતાં ઓવારફ્લો થવાની શકયતા છે. ડેમની હેઠવાસનાં ગામો પૈકી નેત્રંગ તાલુકાના મૌઝા , કામલીયા , ચીખલી, ગુંદીયા તથા વાલિયા તાલુકાના રાજપુરા, જાબુગામ, વાંદરીયા, યોરઆંબલા, ઉમરગામ, સોડગામ, સિનાડા, નવાપુરા, ડહેલી વગેરે ગામનાં લોકોને નદીના પટમાં અવર-જવર નહી કરવા તથા સાવચેત રહેવા સૂચના અપાઈ છે. બલદેવા ડેમ પણ હાઈ એલર્ટ વચ્ચે ઓવરફ્લો થવાથી 12 સેમી દૂર છે.
બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી નર્મદા જિલ્લાના કાકડી આંબા અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. જ્યારે કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા વીજ ઉત્પાદન વતી નદીમાં પાણી ઠલવાઇ રહ્યું છે.