



- ભરૂચ અને અંકલેશ્વર હાઇવે પર 09 બ્લેકસ્પોટ, ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સૂચનાના પગલે મુલાકાત લેવાઈ
ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગરની સૂચનાથી ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સપેક્ટર એમ.વી. તડવી, આરટીઓ ઇન્સ્પેક્ટર વીનું મકવાણા, બરોડથી સુરત સુધીના નેશનલ હાઇવે નંબર 48ના મેન્ટેનન્સ હેડ દિલીપસિંહ બોરાધરાની સાથેના અધિકારીઓની ટીમે હાઇવેના અકસ્માત ઝોનનું નિરીક્ષણ કર્યું હતું. આ અધિકારીઓએ ભરૂચ અને અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલા 04 બ્લેકસ્પોટ એટલે જોખમી માર્ગ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરી હતી. જેમાં હાઇવે ઉપર થર્મો પ્લાસ્ટિક પેન્ટના પટ્ટા મારવા ( રબડ સ્ટેમ્પ) જોખમી અકસ્માત ઝોનના સ્થળોએ ટ્રાફિકને લગતા સાઈન બોર્ડ લગાવવા અને જરૂરિયાતના સ્થળે લાઈટો લગાવવા માટે પણ ચર્ચાઓ કરાઈ હતી.
ભરૂચ શહેરમાંથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. જેના ઉપર અનેક સ્થળો ઉપર અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં પણ એવું સ્થળ કે જ્યાં ત્રણ વર્ષ દરમિયાન 5 થી વધારે અકસ્માતોમાં 10 થી વધારે વ્યક્તિઓના મૃત્યું થયા હોય તે સ્થળને બ્લેકસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લામાં 09 બ્લેકસ્પોટ આવેલા છે.
ભરૂચ જિલ્લામાં આવેલા બ્લેકસ્પોટની વાત કરીએ તો જે સ્થળો ઉપર વધારે અકસ્માત થાય છે. જેમાં ભૂખી ખાડી, લુવારા પાટિયા,ઝાડેશ્વર ચોકડી, મૂલદ ચોકડી, અમરાવતી ખાડી, વર્ષા હોટલ યુટર્ન, નવજીવન હોટલ, ખરોડ ચોકડી અને નિલેશ ચોકડીને બ્લેકસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે.
આ ટીમના અધિકારીઓએ દિવસ દરમિયાન ભરૂચ- અંકલેશ્વરના 04 બ્લેકસ્પોટ તેમજ અન્ય અકસ્માત સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં લૂવરા પાટિયા, મૂલદ ચોકડી, વર્ષા હોટલ યુટર્ન અને નવજીવન હોટલ પાસેના બ્લેકસ્પોટ વિસ્તારની મુલાકાત લીધી હતી.