ચોમાસામાં નર્મદાનો નિનાઈ ધોધનો અદભુત નજારો, ઝરણામાંથી 70 મીટર ઊંચાઈથી પાણી વહેતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
ગુજરાતનો નાનકડો જિલ્લો નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ સૌથી મોટો વન વિસ્તાર ગણાય છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળા અહિં આવેલી છે. જે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. ચોમાસામાં ચારે બાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એમ લાગે છે. ત્યારે ચોમાસમાં નર્મદાનો નિનાઈ ધોધનું અનુપમ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં આવેલું એક ઝરણામાંથી વહી આવતો 70 મીટર ઊંચાઈથી પડતો નયનરણમ્ય સુંદર ધોધ અત્યારે ચોમાસામા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. રાજપીપલાથી ડેડીયાપાડા થઈને સગાઈ અને ત્યાંથી માલસમોટ જઈ શકાય છે. સગાઈ ખાતે વનવિભાગ દ્વારા ટુરીઝમ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ડેડીયાપાડાથી નિનાઈ ઘાટ જતા રસ્તામાં ચારે બાજુ લીલા છમ ડુંગરો, ખળ ખળ વહેતા ઝરણાઓનું કુદરતી સૌંદર્ય પ્રવાસીને આકર્ષે છે. નાની સિંગલાટી પાસે શુલપારેશ્વર વન્ય જીવ અભ્યરણ્ય આવેલું છે જ્યાં આવેલા ચેકીંગનાકા પર ટિકિટનું ચેકીંગ થયાં પછી આગળ જઈ શકાય છે.
વન વિભાગે નિનાઈ ઘાટ સુધી ફોરવિલર જઈ શકે એવો પાકો રસ્તો બનાવ્યો છે. ઘાટ આગળ જવા માટે પગથિયા બનાવ્યાં છે. 150 જેટલાં પગથિયા ઉતરીને નિનાઈ ધોધ જોઈ શકાય છે. નિનાઈ ધોધની ચારે બાજુ કુદરતી કાળ મિઢ પથ્થરો પર જઈને પ્રવાસીઓ નિનાઈ ધોધની સેલ્ફીની મઝા માણે છે. 70 મીટર ઊંચાઈથી પડતા ધોધનો અવાજ પણ અનહદ આનંદ આપે છે. અહીં પ્રવાસીઓ માટે ન્હાવાની પાણીમાં ઊંડે જવાની મનાઈ છે. ડૂબી જવાના બનાવો ન બને તે માટે અહીં જવાનો તૈનાત કરાયા છે.