ભરૂચ જિલ્લામાં 54 દિવસમાં જ મોસમનો 71 % વરસા
ભરૂચ જિલ્લામાં ચોમાસાની મોસમ જામી છે. જિલ્લામાં છેલ્લાં 54 દિવસમાં જ મોસમનો 71.60 ટકા વરસાદ નોંધાઇ ગયો છે. તેમાંય જો છેલ્લાં પાંચ વર્ષના આંકડા જોઇએ તો પાંચ વર્ષમાં વર્ષ 2018માં જિલ્લામાં 72.71 ટકા વરસાદ થયો હતો. જે બાદ આ વર્ષે જ બીજો સૌથી વધુ 71.60 વરસાદ નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ નેત્રંગમાં 88.13 ટકા જ્યારે આમોદ તાલુકામાં સૌથી ઓછો 39.93 ટકા વરસાદ વરસ્યો છે. મોસમનો 70 ટકાથી વધુ વરસાદ વરસી ગયો હોવા છતાં હજી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોઇ ખેડૂતો વાવણી કરવાને લઇને મુંજાઇ રહ્યાં છે.
ભરૂચ શહેર જિલ્લમાં ચાલુ વર્ષે મેઘરાજા મનમુકીને વરસ્યો છે. તેમાંય 15 દિવસ પહેલાં જિલ્લામાં અતિવૃષ્ટી થતાં ચોમાસાની સિઝનના 54 દિવસમાં જ મોસમનો 71.60 ટકા વરસાદ થઇ ગયો છે. જિલ્લામાં સિંચાઇની વ્યવસ્થા ધરાવતાં ખેડૂતોએ નિયમિત સમયે વાવણી કરતાં જિલ્લામાં 52 ટકા જેટલું વાવેતર થઇ ગયું હતું.
ભરૂચ જિલ્લામાં છેલ્લાં 5 વર્ષના આંકડા જોઇએ તો વર્ષ 2018માં સૌથી વધુ 72.71 ટકા વરસાદ થયો હતો. જેમાં પણ તે વર્ષે વાલિયામાં સૌથી વધુ 110.81 ટકા વરસાદ થયો હતો. જ્યારે આમોદમાં સૌથી ઓછો 36.65 ટકા વરસાદ થયો હતો. જે બાદ આ વર્ષે બીજો સૌથી વધુ 71.60 ટકા વરસાદ થયો છે. જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં 54 દિવસમાં નેત્રંગ તાલુકામાં 88.13 જ્યારે આમોદમાં માત્ર 39.93 ટકા વરસાદ નોંધાયો છે.