



ભરૂચમાં ડમ્પિંગ સાઇટ વિના 120 ટન કચરાના નિકાલની સમસ્યા
ભરૂચ નગરપાલિકાની કાયમી ડમ્પીંગ સાઇટ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અને હંગામી સાઇટ સ્થાનિકોએ બંધ કરાવી દેતાં શહેરમાંથી નીકળતાં 120 ટન જેટલા કચરાના નિકાલની સમસ્યા ઉભી થઇ છે. ભરૂચ શહેરની અંદાજીત 3 લાખ લોકોની વસતી સામે રોજનો 100 ટનથી વધારે કચરો નીકળે છે. ભરૂચ શહેર ઉપરાંત આસપાસ આવેલી ગ્રામ પંચાયતોનો કચરો મળી કુલ 120 ટન કચરોપાલિકાની ડમ્પીંગ સાઇટમાં નાંખવામાં આવે છે. 1992ની સાલમાં સાબુગઢ ખાતેની ડમ્પીંગ સાઇટ બંધ કરી માંડવા ગામની સીમમાં ડમ્પીંગ સાઇટ બનાવવામાં આવી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના બદલાયેલા નિયમો તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી ઓકટોબર 2021થી માંડવા ગામની ડમ્પીંગ સાઇટ બંધ કરી દેવામાં આવી છે. માંડવાની ડમ્પીંગ સાઇટ બંધ થતાં પાલિકા નવી સાઇટ માટે શોધખોળ કરી રહી છે. બીજી તરફ ચાર નગરપાલિકાના કચરાના નિકાલ માટે બનાવવામાં આવેલો સાયખાનો પ્રોજેકટ પણ કાર્યાન્વિત થઇ શકયો નથી.
આવા સંજોગોમાં પાલિકા માટે કચરાના નિકાલનો પ્રશ્ન વિકટ બન્યો છે. ભરૂચ પાલિકાએ કંથારીયા પાસે એક ખેતર ભાડા પર લઇ તેમાં કચરાના નિકાલની શરૂઆત કરી હતી પણ સ્થાનિકોએ વિરોધ નોંધાવી સાઇટ બંધ કરાવી હતી. હાલ તો જે.બી.મોદી પાર્ક પાસેની જગ્યામાં કચરો ડમ્પ કરવામાં આવ્યો છે.