![Voice Reader](https://bharuchexpress.com/wp-content/plugins/magic-post-voice/assets/img/play.png)
![Stop Voice Reader](https://bharuchexpress.com/wp-content/plugins/magic-post-voice/assets/img/stop.png)
![Pause](https://bharuchexpress.com/wp-content/plugins/magic-post-voice/assets/img/pause.png)
![Resume](https://bharuchexpress.com/wp-content/plugins/magic-post-voice/assets/img/play.png)
ભરૂચ જિલ્લા કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલના પોસ્ટર ઉપર શાહી ફેંકી, 8 કાર્યકરોની અટકાય
કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે એન્ફોર્સમેન્ટ ડાયરોકટરેટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષાની ખોટી હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે રાજ્યભરમાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજ્યા હતા. જેના ભાગરૂપે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષા સામે નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્ર સરકાર ED, સીબીઆઈ સહિતની એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના સુત્રોચ્ચારો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસે આજે કલેકટર સંકુલ ગજવી દીધું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ, શહેર, યુવા, મહિલા, એન.એસ.યુ.આઈ. સહિતે પોસ્ટર, બેનરો અને પ્લે કાર્ડ સાથે કલેકટર કચેરીમાં ધામાં નાખ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પોસ્ટર ઉપર શાહી ફેંકાતા વાત વણસી હતી. જેમાં 8ની અટકાયત કરવામાં આવી છે.
કલેકટર કચેરીના પગથિયે જ બેસી જઇ ભાજપ, કેન્દ્રની મોદી સરકારનો ભારે હુરિયો બોલાવવામાં આવ્યો હતો. સાથે જ કલ લડે થે ગોરો સે, હમ લડગે ચોરો સે, ભાજપ હમશે ડરતા હે પોલીસ કો આગે કરતા હે’ સહિતના વિવિધ સુત્રોચ્ચારો કરી ભારે દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના કેન્દ્રની ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં કલેકટર કચેરીએ લગાવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પોસ્ટર ઉપર શાહી ફેંકાતા વાત વણસી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસે વિરોધ કરી રહેલા 8 કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિક્કી શોખી, શકીલ અકુજી, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ બબાલમાં પોલીસે આગેવાનો અને કાર્યકરોને હટાવવાની કવાયત હાથ ધરતા જ ખેંચતાણ અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, નવા મુકાયેલા પી.આઈ. ચુડાસમાએ મહિલાઓને હાથ મુક્યા હતા.આટલું જ નહીં તેમની કફની સાથે અન્ય કોંગી કાર્યકરોની કફની પણ ફાડી નાખી હતી. પી.આઈ એ હાથ ઉઠાવ્યો હતો અને અપશબ્દો પણ બોલ્યા હતા.