રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ ભારેથી અકિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વરસાદી માહોલ જામ્યો છે. રાત્રિના સમયે હળવા વરસાદી ઝાપટા પડ્યાં છે. સૌથી વધુ વરસાદ સુરતના મહુવા તાલુકામાં સવારના 10 કલાક સુધીમાં 8 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 55346 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 1000 ક્યુસેક પાણીને છોડવામાં આવી રહ્યું છે.
પાંચેક દિવસથી સતત વરસાદ પડ્યો હોવા છતાં પંથકમાં ઠંડક પ્રસરી નથી. જેથી શહેરીજનોને બફારો થઈ રહ્યો છે. બીજી તરફ બફારાને જોતા વધુ વરસાદ પડે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હળવા અને ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વાવણી બાદ તથા ઉભા પાક માટે આ વરસાદ આશિર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. વળી વરસાદના પગલે ડેમમાં નવા પાણી અને નદી નાળાઓ વહેતા થઈ જતાં ખેડૂતોને વરસાદથી હરખ થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે પાણીની આવક વધી રહી છે. હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈમાં 55346 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે કેનાલ મારફતે 1 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે,જ્યારે હાલ ડેમની સપાટી 316.38 ફૂટ છે.