



પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ વેલકમ પેટ્રોલ પંપ ઉપર બંદૂકની અણીએ 2 બુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર લૂંટની ઘટના અંગેના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે વાગરા પોલીસે લૂંટારુઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.
ઘટના અંગે વધુ મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આમોદ દહેજ રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે 2 જેટલા બુકાનીધારી લૂંટારુઓ બાઈકમાં પેટ્રોલ પુરાવવાનાં બહાને આવ્યા હતા. અને ત્યાં હાજર કર્મચારીને ધક્કો મારી કેબિનમાં લઈ જઈ રૂપિયાની માંગણી કરી હતી. ફિલરે પૈસા આપવાની ના પાડતા બંદૂક બતાવી લૂંટની ઘટનાને અંજામ આપી બંને ફરાર થઈ ગયા હતા. પેટ્રોલ પંપ ઉપર આવેલ 2 બુકાનીધારી લૂંટારુઓએ બંદૂક બતાવી પેટ્રોલ પંપના કર્મચારીને ઓફિસમાં લઈ આવ્યા હતા. જ્યાં તેને માર મારીને ભયભીત કરી ઓફિસમાં રહેલી રોકડ રકમની માંગણી કરી હતી. જેમાં અંદાજે ૩૦ હજાર ઉપરાંતની રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓએ કર્મચારીને ઓફિસમાં જ ગોંધી રાખી કરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવની જાણ પેટ્રોલ પંપના સંચાલકને થતાં પોલીસને હકીકતથી વાકેફ કરવામાં આવી હતી, ત્યારે હાલ તો વાગરા પોલીસે CCTV ફૂટેજના આધારે વહેલી તકે લૂંટારુઓનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.
વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ વેલકમ પેટ્રોલ પંપ ખાતે ઘટેલ ઘટનાની જાણ થતાંજ ભરુચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, જંબુસર ડિવિજનના નાયબ પોલીસ અધિક્ષક તેમજ વાગરા પોલીસ મથકના પો.સ.ઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસને વધુ વેગ આપ્યો હતો. રાત્રી દરમિયાન હાજર પેટ્રોલ પંપના કર્મીઓની પૂછપરછ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કરવા સાથે પોલીસે CCTV ફુટેજના આધારે લૂંટારુઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બંદૂકની અણીએ થયેલ લૂંટ અંગે પંથકમાં ભયનું વાતાવરણ છવાયું છે. હવે જોવું એ રહ્યું કે લૂંટારુઓને ઝડપી લેવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે..!
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી