



ભરૂચ નગરપાલિકાના મહાદેવ ગાર્ડનમાં હિંચકે બેસતા રોકતા પાંચથી વધુ શખ્સોએ રખેવાળને માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ભરૂચના શક્તિનાથ રેલવે ગરનાળા પાસે આવેલા મહાદેવ નગરમાં રહેતાં 59 વર્ષીય ગણેશ રમણ રાણા કલેક્ટર કચેરી ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જેઓ પોતાના ઘર પાસે આવેલાં નગરપાલિકાના ગાર્ડનની પણ રખેવાળી કરે છે. ત્યારે ગત રાતે ગાર્ડનનો દરવાજો બંધ કરવા ગયા હતા તે દરમિયાન નજીકમાં જ રહેતાં ધ્રુવિલ કાયસ્થ બાળકોના હિંચકા ઉપર બેસી હિંચકા ખાતો હતો. જેને હિંચકો તૂટી જશે તેવું કહેતા તે અને તેની સાથે આવેલા રાજ કાયસ્થ, પ્રકાશ ઉર્ફે મુન્નો કાયસ્થ, પ્રથમ કાયસ્થ તેમજ પ્રશાંત કાયસ્થ સહીત અન્ય આઠ ઈસમોએ ગણેશ રમણ રાણા અને તેઓના મિત્ર મુકેશ મુનિયાને માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
આ ઘટનામાં ઇજગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ મારામારીની ઘટના અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી