વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે. આ કાયદાકીય બિલનો સમગ્ર પશુપાલક વર્ગ અને માલધારી સમાજ ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે સાથે જ જણાવ્યું છે કે સામાજિક સમરસતા માટે પશુપાલક વર્ગ ખુબ જ મહત્વનો ભાગ ભજવી રહયો છે. કોરોનાના કપરાકાળ દરમિયાન ખુબ સેવાકીય પ્રવૃતિઓ અને સમાજની અતિ મહત્વની પ્રાથમિક જરુરિયાત એવા દૂધ પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડયું છે . આજે ભરૂચ ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં વિવિધ મુદ્દાઓ અંગેની માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી વિનંતી કરે તેવી માંગ કરાઈ હતી..
માલધારી સમાજ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે તાજેતરમા વિધાનસભામાં સરકાર દ્વારા પશુ – માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે તે તાત્કાલીક પરત ખેંચવું જોઈએ સાથે જ રાજ્યની દરેક કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો જોઈએ. રાજ્યમા આવા પકડાયેલ પશુઓને છોડાવવા માટે ૯૦ અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી જોઇએ તેમજ અગાઉની માફક શહેરની બહાર માલઘરી વસાહતો બનાવી તેમાં ગાયો રાખવાના વાડાઓ તેમજ પશુદાવાખના ખાણદાણની દુકાન , દૂધમંડળી તેમજ માલધારીઓના બાળકો માટેની સ્કુલો , દાવાખાનાઓ જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવે અને જે શહેરમાં દબાણ થયેલ ગૌચરો નામદાર કોર્ટના હુકમ મુજબ ખાલી કરાવી તેમાં આવી વસાહતો બનાવી માલધારી શહેર બહાર વસવાટ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ તૈયાર કરાવી જોઈએ તેવી માંગ કરાઈ છે .
વધુમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે માલધારી સમાજ ખુબ જ ભોળો સમાજ છે અમારે ભૌતિક સુખ સુવિધાઓ નથી જોઈતી પણ પશુપાલક વિરોધી કાયદો લાવી પશુપાલકોને પરેશાન કરવાની આ નીતિને અમો સહન કરવાના નથી. જો આગમી દિવસોમાં માલધારી સમાજને આ બિલ અથવા બીજા કોઈપણ કાયદા દ્વારા પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી કે અગવડતાઓ ઉભી થશે તો તેનું સરકારે પણ કદાચ અગામી વિધાનસભા ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તે પ્રકારની ચીમકી પણ આપવામાં આવી છે..
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી