ભરૂચના સહકારી ક્ષેત્રે અગ્રણી સંસ્થા ધી ભરૂચ નર્મદા જીલ્લા માધ્યમિક શાળાઓના કર્મચારીઓની કોઓ ક્રેડિટ સોસાયટીના નવનિર્મિત કાર્યાલય બિલ્ડિંગમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા વિધાનસભાના ના.મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ગ્રંથતીર્થનું ઉદ્દઘાટન કરાયું હતું.
માધ્યમિક શાળાના કર્મચારીઓની કો. ઓ. ક્રેડિટ સોસાયટીના ચાર પૂર્વ પ્રમુખોમાં દિનશા ગમીર, ભીખુ હાંસોટી, શંકર પટેલ તથા ઉદેસિંહ રાજના નામોનું સંકલન કરી નવનિર્મિત પુસ્તકાલય દિન ભીખુ ઉદય શંકર ગ્રંથતીર્થનો ઉદ્દઘાટન સમારોહ યોજાતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રિબિન કાપી ઉદ્દઘાટન કાર્યુ હતું.
જ્યારે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે તક્તિનું અનાવરણ કરી ગ્રંથતીર્થને ખુલ્લું મૂક્યું હતું. આ અવસરે સોસાયટીના ચેરમેન પ્રવિણસિંહ રણાએ ગ્રંથતીર્થની માહિતી આપતા જણાવ્યું હતું કે નિવૃત્ત શિક્ષકો માટે ગ્રંથતીર્થ સવારે 7થી સાંજે 6:30 કલાક સુધી ખુલ્લું રહેશે. શિક્ષક સિવાયના સિનિયર સિટીઝનો માત્ર 1 રૂપિયાના ટોકનથી ગ્રંથતીર્થનો લાભ લઇ શકશે. અહીં સાહિત્ય અને શિક્ષણને લગતા પુસ્તકો અને મેગેઝીનો સૌને વાંચવા મળશે. આ અવસરે લોકગાયક અભેસિંહ રાઠોડ તથા જિલ્લા શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.