ધ કપિલ શર્મા શો તાજેતરમાં ધ કાશ્મીર ફાઇલ્સની કાસ્ટને શો પર પ્રમોશન માટે ના બોલાવવાને કારણે ચર્ચામાં રહ્યો હતો. આ કારણે ઘણો વિવાદ થયો હતો, જેને કારણે ટ્વિટર પર બોયકોટ કપિલ શર્મા શો ટ્રેંડ કરવા લાગ્યુ હતુ. આ વિવાદ તો ખતમ થઇ ગયો પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે કપિલનો શો જલ્દી બંધ થવાનો છે. જેનો અર્થ એ છે કે હવે દર્શકોને દર અઠવાડિયે હસીનો ડોઝ નહી મળી શકે.
ધ કપિલ શર્મા શો ટેલીવિજન પર સૌથી વધુ પસંદ કરનારા શોમાંથી એક છે. શોમાં દર અઠવાડિયે જાણીતા સ્ટાર ગેસ્ટ બનીને આવે છે અને મનોરંજન કરે છે. એવામાં હવે કપિલની એક પોસ્ટ બાદ શોના બંધ થવાની ચર્ચા થઇ રહી છે. કપિલ શર્માએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને પોતાની યૂએસ-કેનેડા ટૂરની જાહેરાત કરી છે.
કપિલ શર્માએ પોસ્ટ શેર કરવાની સાથે લખ્યુ છે કે વર્ષ 2022માં પોતાની યૂએસ-કેનેડા ટૂર વિશે જાહેરાત કરતા મને ઘણી ખુશી અનુભવાઇ રહી છે. જલ્દી તમારી સાથે મુલાકાત થશે. આ ટૂર 11 જૂનથી શરૂ થશે અને 3 જુલાઇ સુધી ચાલશે. કપિલ શર્માની આ પોસ્ટ બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે જલ્દી શો કેટલાક સમય માટે બંધ થશે. જોકે, તે બાદ શો ફરીથી નવી સીઝન સાથે પરત ફરશે. ધ કપિલ શર્મા શોમાં કપિલ શર્મા સિવાય કીકૂ શારદા, કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને અર્ચના પૂરન સિંહ દર્શકોનું મનોરંજન કરે છે.