અલંગ-સોસિયા શિપબ્રેકિંગ યાર્ડમાં અંતિમ સફરે આવતા જહાજ દેશી ચાચિયાઓ, મહિલાઓ સહિતની સ્થાનિક તસ્કર ગેંગ માટે કાળી કમાણીનું સાધન બની ગયુ છે. જીવને જોખમમાં મૂકી ને રૂપિયાના લાલચુ માણસોના કારણે જહાજમા પડેલા કિંમતી માલ સમાનની લાખોમાં કિંમત અંકાય તે રીતે ચોરીઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. નિષ્ઠાવાન અધિકારી, કર્મચારીઓની સામે અમુક ભ્રષ્ટાચારીઓના પાપે તંત્ર બદનામ થઈ રહ્યું છે. શિપ બ્રેકરો પણ અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે, છતાંય બહાર પાણીએ આવેલા જહાજમાંથી ચોરીઓ બંધ થઈ નથી. પ્લોટ નં. ૧૧ માં ટાવર જહાજ આવી રહ્યું હતું. એ જહાજમાંથી ૧૫૦૦ થી ૧૮૦૦ કિલો પ્યોર તાંબાના પાઇપ જહાજમાંથી ઉતારી હોડી દ્વારા લાવી જસપરા માંડવાના સ્મશાનથી આગળ મીઠી વીરડીના દરિયા કિનારેથી આશરે એકાદ કિ. મી. દૂર લાવવામાં આવ્યા હતા. આ ચોરેલ માલની કિંમત રૂપિયા બાર લાખથી વધુની છે. આસાનીથી જહાજ પરથી દોઢ-પોણા બે ટન જેટલો પ્યોર તાંબાનો માલ કાઢવામાં આવ્યો તેની પાછળ શિપ બ્રેકરના જ ફાટેલા ગદ્દાર માણસોનો હાથ હોવાનુ જાણવા મળ્યું છે.સોમવાર ની રાત્રે જસપરા-મીઠી વીરડી વચ્ચેના દરિયા કિનારે આવેલો માલ કેટલાક ખાખીધારીઓની મીઠી નઝર તળે નીકળી રહ્યો હતો. આ વાત ચોરીની બાતમી રાખનારને ખબર હોય તેણે અહીંથી બદલી પામેલ અધિકારી ને બાતમી આપી દીધી હતી. માલ હજુ સગેવગે થાય તે પહેલાજ બાતમીની રાહે અધિકારી એકલા હિંમતભેર રાતના અંધારામાં ત્રાટકયા હતા. તેઓએ પ્રામાણિકતા દાખવતા આ માલને ગઈકાલે વહેલી સવારે મરીન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. આમ પ્રામાણિક અધિકારી અને ચોક્કસ બાતમીદારોના નેટવર્ક ને લઈ પર્દાફશ થયો. જોકે આ માલ મરીન પોલિસ મથકની હજુ પાછળ મુકવામાં આવ્યો હતો. આ બાબતે ૨૪ કલાક બાદ બપોરે ૨ વાગે અલંગ મરીન પોલીસ મથકના પી. એસ. ઓ સુરેશભાઈ બારૈયા ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ચોરાઉ માલ, ૪૧(૧)ડી કે કશુંજ ચોપડા પર દર્શાવેલ નથી એમ જણાવ્યું હતું.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી