કેટલાય જવાનોને શારીરિક કસોટી વિના જ હોમગાર્ડ દળમાં ભરતી કરાયાનો આક્ષેપ.
અરજદારે હોમગાર્ડ દળની ભરતીમાં ચાલતી ગેરરીતિ બાબતે ગૃહમંત્રી સુધી રજુઆત કરી.
ગુજરાત સહિત ભારત ભરમાં શિક્ષત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવેમ્બર ૨૦૨૧ માં હોમગાર્ડ દળમાં ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આમોદમાંથી અનેક યુવાનોએ દળમાં સામેલ થવા માંગેલી પોતાની શૈક્ષણિક લાયકાત સાથે અરજી કરી હતી. ત્યાર બાદ આમોદના યુવાનોને ભરૂચ હેડ ક્વાર્ટર ખાતે શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા.જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ તથા ભરતી કરનાર અધિકારીએ હોમગાર્ડ યુનિટમાં સામેલ થવા માંગતા યુવાનો સાથે ગેરરીતિ આચરી અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
આમોદના વણકરવાસ ખાતે રહેતા વિશાલ દલસુખ અગ્નિહોત્રી પોતે ધો.૧૦ પાસ હોય અને શિક્ષિત બેરોજગાર હોવાથી હોમગાર્ડ યુનિટમાં ભરતી થવા માટે અરજી કરી હતી.જે માટે તેણે અરજીમાં માંગ્યા મુજબના જરૂરી પ્રમાણપત્રો જમા કરાવ્યા હતાં.ત્યાર બાદ તેને બધા યુવાનો સાથે ભરૂચ પોલીસ ક્વાર્ટર કાળી તલાવડી ખાતે બોલાવવામાં આવ્યો હતો. જેમાં તે તમામ પ્રકારની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થઈ ગયો હતો.ત્યાર બાદ તેના પ્રમાણપત્રો જેવા કે એલ.સી.,ચૂંટણી કાર્ડ, જન્મ દાખલો ચેક કરવામાં આવ્યા હતાં.જેમાં તેનું નામ વિશાલ દલસુખ અગ્નિહોત્રી હતું. જ્યારે તેના આધારકાર્ડમાં વિશાલ દલસુખ પરમાર હતું.જે આધારકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટની વિસંગતતાને કારણે તેને હોમગાર્ડ ભરતીમાંથી બાકાત કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું આધારકાર્ડ પણ તેણે સુધારવા માટે આપ્યું હતું જે બાબતે તેણે ભરતી અધિકારી તથા જિલ્લા કમાન્ડિંગને વિનંતી કરી હોવા છતાં તેને આધારકાર્ડની નાની સરખી વિસંગતતાને કારણે ભરતીમાંથી બાકાત કરવામાં આવ્યો હતો.જોકે તેના થોડા દિવસોમાં જ તેનું આધારકાર્ડ પણ સુધરી ગયું હતું.
આ ઉપરાંત આમોદના શૈલેષ રાણા પણ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા.પરંતુ તેઓ વિદેશ જતાં તેમનો દળમાં ફરીથી સમાવેશ કરવામાં આવ્યો નહોતો કે તેમને છુટા પણ કરવામાં આવ્યા નહોતા.પરંતુ નવેમ્બર ૨૦૨૧ માં તેમને ફરીથી હોમગાર્ડ દળમાં સામેલ થવા માટે અરજી કરવાનું જણાવવામાં આવ્યું હતું.જેમાં તે દોડમાં નાપાસ થયો હતો.ત્યારે શૈલેષ રાણાએ જણાવ્યું હતું કે હું જે તે સમયે હોમગાર્ડ દળમાં ભરતી થયો હતો ત્યારે મારી સાથેના અનેક લોકોને જે તે વખતે શારીરિક કસોટી વગર જ હોમગાર્ડ દળમાં ભરતી કરવામાં આવી છે.તો મને હોમગાર્ડ દળમાંથી છૂટો કરવામાં આવ્યો નથી.છતાં મારી શારીરિક કસોટી કેમ લેવામાં આવી?
આ બાબતે હોમગાર્ડ દળમાં ભરતી માટે અન્યાય થયો હોવાની લાગણી સાથે અરજદારોએ હોમગાર્ડની વડી કચેરી અમદાવાદ તેમજ રાજ્યના ગૃહમંત્રી તેમજ સમાજ કલ્યાણ અધિકારીને ફરિયાદ કરી તપાસની માંગ કરતાં જિલ્લા ભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બોક્સ
સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોળીને પી જતાં ભરૂચ જિલ્લા હોમગાર્ડના અધિકારીઓ.
સુપ્રીમ કોર્ટના માન્ય નિર્દેશ અનુસાર આધારકાર્ડ ફરજિયાત નથી પરંતુ સરકાર તરફથી કોઈ યોજનાનો લાભ લેવા,સબસીડી લેવા કે રાહત મેળવવા માટે આધારકાર્ડ જરૂરી હોવાનું જણાવ્યું છે.ત્યારે ભરૂચ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડિંગ તેમજ હોમગાર્ડ ભરતી અધિકારીને વિશાલના આધારકાર્ડ માટે આટલું મમત્વ કેમ છે?તે સમજાતું નથી.જો કે વિશાલ અગ્નિહોત્રી પાસે જન્મના પ્રમાણપત્ર,શાળા છોડયાનું પ્રમાણપત્ર(L.C.),ભારત સરકારનું ફોટો સાથેનું ચૂંટણી કાર્ડ,તેમજ અન્ય બેન્ક ખાતામાં પણ વિશાલની અટક અગ્નિહોત્રી છે. જો કે વિશાલે અધારકાર્ડમાં નાની સરખી અટકની ભૂલ સુધારવા માટે આપી હોવાની સ્લીપ પણ બતાવી હોવા છતાં અધિકારીએ માન્ય રાખ્યું નહોતું.
બોક્સ
આમોદ હોમગાર્ડ દળમાં ૧૪ જવાનો પાસ થયાં હોવા છતાં ૨૦ જવાનોની ભરતી?
આમોદ હોમગાર્ડ માટે નવેમ્બર ૨૦૨૧ માં જિલ્લા હેડ કવાર્ટર ખાતે હોમગાર્ડ યુનિટમાં સામેલ થવા માંગતા યુવાનોની શારીરિક કસોટી લઈ ભરતી કરવામાં આવી હતી.જેમાં માત્ર ૧૪ યુવાનો પાસ થયા હોવાની ચર્ચા જાગી હતી. પરંતુ આમોદમાં ૨૦ જવાનોની ભરતી થઈ હોવાનું સામે આવતા અન્ય છ યુવાનોને કઈ રીતે લેવામાં આવ્યા છે.તે બાબતે આમોદ હોમગાર્ડ દળના શૈલેષ રાણાએ માહિતી અધિકાર કાયદા અંતર્ગત હોમગાર્ડ જવાનોની ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો,આવેલી અરજીઓ,શૈક્ષણિક લાયકાત તેમજ ફોટા સહિતની માહિતી માંગી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે આમોદ હોમગાર્ડ ઓફીસ કમાન્ડિંગ ચંદ્રકાન્ત પટેલે જણાવ્યું કે જે હોમગાર્ડ દળમાં જે લોકોએ અરજી કરી છે તે લોકોની ફોર્મની ચકાસણી દરમિયાન આટલા માણસો પાસ થયાં છે તે મુજબ મેં જાણ કરી છે. શૈલેષ ત્રણ વર્ષ પહેલાં વિદેશ ગયો હતો.તેનો રજીસ્ટરમાં આધાર પુરાવો નથી તેનું રિમાર્કનું ખાનું ખાલી છે.વિશાલના અધારકાર્ડમાં નાની સરખી ભૂલ બાબતે જિલ્લા કચેરીએ તેને શું કીધું તે હું જાણતો નથી.