જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠીત શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ નોંધણી માટે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની મળેલી બેઠક
ભરૂચ કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી
નેશનલ ડેટાબેઝ ઓફ અનઓર્ગેનાઈઝડ વર્કસ(NDUW) પ્રોજેક્ટ હેઠળ જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠીત શ્રયોગીઓને ઈ-શ્રમ કાર્ડ નોંધણી માટે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની બેઠક કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં કલેક્ટરશએ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક મુજબ અસંગઠિત કામદારોની નોંધણીની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જિલ્લાના સીએચસી સેન્ટરો તથા સ્ટેટ સેવાકેન્દ્રની ઈ-શ્રમ હેઠળની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
કલેકટરએ બેઠકમાં જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક મુજબની કામગીરી સમયસર પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત અસંગઠિત કામદારોની નોંધણી સંદર્ભે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ધ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવા સુચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાકક્ષાની વિવિધ કચેરીઓ હેઠળ નોંધાયેલા મનરેગા કામદારો, સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો, રીક્ષા ચાલકો, ફેરીયાઓ, બાંધકામ કામદારો, મધ્યાહન ભોજન યોજનાના કામદારો, ઘગથ્થું કામદારોની તથા આશા વર્કર, આંગણવાડી વર્કર, ખેત મજુરો, માછીમારો અને ઈંટ-ભઠ્ઠામાં કામ કરતા કામદારોની નોંધણી થાય તે માટે પ્રયત્નો કરવા, જિલ્લાના કામદાર યુનિયન, કામદાર એસોશીએસન ફેડરેશન અને અસંગઠીત ક્ષેત્રના કામદાર માટે કામ કરતી એનજીઓ મારફત અસંગઠીત કામદારોની નોંધણી, બાંધકામ કામદારો/આશા વર્કરો/આંગણવાડી કાર્યકરો/મનરેગા કામદારો/ઘરગથ્થું કામદારો/મધ્યાહન ભોજન યોજના કામદારો/માછીમારોના બલ્કમાં રજીસ્ટ્રેશન થાય તેમજ જિલ્લામાં મોબાઈલ CSC/SSK મારફતે કડીયાનાકા, ઈંટભઠ્ઠા, શ્રમિકોની વસાહતો, માછીમારોની વસાહતો તેમજ દૂધ મંડળીઓ પર ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી માટે ઝુંબેશનું આયોજન કરવા ઉપયોગી માર્ગદર્શન આપી સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મદદનીશ શ્રમ આયુક્ત જે.એ.મકવાણા સહિત જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ અને અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.