વિદેશી દારૂનો કારોબાર ચલાવતા મહિલાના પતિ તેમજ પુત્ર રાબેતા મુજબ ફરાર.
પોલીસે દારૂ છુપાવવા માટે ઉપયોગમાં લીધેલા સ્ટીલ,એલ્યુમિનિયમ તથા પિત્તળના સાધનો પણ કબજે કર્યા.
આમોદ નગરના મેલીયા નગરીમાંથી આમોદ પોલીસે ગત રોજ સાંજે બાતમીને આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.જ્યારે મહિલાનો પતિ તેમજ તેનો પુત્ર પોલીસને જોઈ રાબેતા મુજબ ફરાર થઇ ગયા હતાં.આમોદ પોલીસે મહિલા,તેનો પુત્ર તેમજ તેના પતિ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ નગરમાં આવેલા મેલીયા નગરીમાં રણજીત મેલા ઠાકોરને ત્યાં મોટા પાયે વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી.જે બાબતે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી.કામળીયા તથા સ્ટાફના પોલીસ કર્મીઓએ બુટલેગરને ત્યાં રેડ કરતા પોલીસને વિવિધ સાધનોમાં રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેથી આમોદ પોલીસે એલ્યુમિનિયમ,સ્ટીલ તેમજ પિત્તળના ઘડા,તપેલા,કોઠી,ડબ્બા તેમજ ગાગર જેવા સાધનો પણ કબજે કર્યા હતાં. આમોદ પોલીસે કુલ ૧,૫૭,૯૨૦ ના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર મિતાબેન રણજિત ઠાકોરની ધરપકડ કરી હતી.જ્યારે મહિલાનો પતિ રણજીત મેલા ઠાકોર તેમજ તેનો પુત્ર આકાશ રણજિત ઠાકોર પોલીસની રેડ જોઈ રાબેતા મુજબ ફરાર થઇ ગયા હતાં.આમોદ પોલીસે મહિલા બુટલેગર તેના પતિ તેમજ પુત્ર સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી