અંકલેશ્વર GIDC માં એક મહિના પહેલા જ પ્રોડક્શન શરૂ કરનાર મહાકાળી ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. સોલ્વન્ટના કારણે આગે ગોટે ગોટા સાથે સમયાંતરે ધડાકા થતા રહેતા ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્ડરના સાયરનોથી ગુંજી ઉઠી હતી. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રક પણ ભડકે બળવા લાગી હતી.
એશિયાની નંબર વન ઔદ્યોગિક વસાહતમાં હજી ઉનાળાની ગરમીની શરૂઆત નથી થઈ તે પહેલાં જ શુક્રવારે મેજર ફાયરની ઘટના બની હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ શ્રી મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.
આગ સોલ્વન્ટમાં લાગી હોવાના કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગ અને આકાશમાં ઊંચે સુધી ઉડતા ધુમાડાના ગોટે ગોટા વચ્ચે ધડાકાઓ થતા કામદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભીષણ આગનો કોલ 11.30 કલાકે મળતા SDM, DYSP, મામલતદાર, પી.આઈ. , સેફટી એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટ સાથે ભરૂચ, અંકલેશ્વર પાલિકા, પાનોલી, DPMC, ONGC ના 15 ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી