ભરૂચ તાલુકાના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતો ચાર કિમી નો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો તેમજ શાળામાં અભ્યાસ કરતા છાત્રો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. મીડિયા ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા કંબોલી ગામથી કોઠી – વાતારસા ગામ તરફ જતો માર્ગ ઉબડખાબડ હાલતમાં નજરે પડ્યો હતો. માર્ગ પર ઠેર ઠેર ખાડા પણ જોવા મળ્યા હતા. કોઠી – વાતરસા ગામના ઉપસરપંચ સલીમ ભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ગ બિસ્માર બનતા અમે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ.
તેમજ શાળાએ જતા છાત્રો પણ હાલાકી ભોગવી રહ્યા છે. બિસ્માર માર્ગ માટે તેઓએ નજીકમાં ચાલી રહેલા રેલવે કોરિડોરના કામ માટે આવતા – જતા ભારદારી વાહનોને જવાબદાર ગણાવી આક્ષેપો કર્યા હતા. તો શાળામાં અભ્યાસ કરતી છાત્રાએ પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ જતા છાત્રો મુશ્કેલીઓ વેઠી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપસરપંચ સલીમ ભાઈએ તંત્ર દ્વારા તાકીદે માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે એવી ગ્રામજનો વતી માગ કરી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી