– પ્રદેશ મંત્રીએ આમોદ પાલિકાના શાસકો સાથે બેઠક કરી વહેલી તકે નિવેડો લાવવા સૂચના આપી.
આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ છેલ્લા દશ દિવસથી આમોદ પાલિકા કચેરી સામે પ્રતીક ઉપાવસ ઉપર બેઠા છે.પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે આજ રોજ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી દિનેશ રોહિતે સફાઈ કામદારોની મુલાકાત લઈ તેમની વેદનાઓ સાંભળી હતી તેમજ આમોદ પાલિકા કચેરીમાં શાસક પક્ષના સદસ્યોને તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે પણ જરૂરી ચર્ચાઓ કરી વહેલી તકે સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી તત્પરતા બતાવી હતી.
આમોદ પાલિકાના ઉપવાસ ઉપર બેઠેલા સફાઈ કામદારોની અચાનક મુલાકાતે આવેલા પ્રદેશ મંત્રી દિનેશ રોહિતનું સફાઈ કામદારના યુનિયન પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ફુલહારથી સ્વાગત કર્યું હતું.આ બાબતે અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી દિનેશ રોહિતે જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પગાર તેમજ પી.એફ.ના પ્રશ્નો બાબતે ચર્ચા કરી છે ભાજપ સંગઠન તેમજ પાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે મુલાકાત તેમજ વહીવટી તંત્ર સાથે પણ ચર્ચા કરી સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી.