આમોદ પાલિકા કચેરી સામે સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કર્યા.
ત્રણ દિવસ બાદ સફાઈ કામદારોના હિતમાં કોઈ નિર્ણય નહીં આવે તો સફાઈ કામ બંધ કરવાની ચીમકી.
આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ ૨૦ મી જાન્યુઆરીથી પાલિકા કચેરી સામે જ પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં હતાં. છતાં આજે છ દિવસ વીતવા છતાં કોઈ નિર્ણય નહીં આવતાં આજે સફાઈ કામદારોએ પાલિકા કચેરી સામે ભેગા મળી સૂત્રોચ્ચાર કરી કાળી પટ્ટી ધારણ કરી પાલિકા શાસકો સામે રોષ વ્યકત કર્યો હતો. ‘હમારી માંગ પુરી કરો’, ‘તાનશાહી નહીં ચલેગી’ ‘બાબા સાહેબ આંબેડકર અમર રહો’ જેવા સુત્રોચાર કરી સફાઈ કામદારોએ પોતાની સત્ય લડાઈને વધુ મજબૂત બનાવી હતી. અને પાલિકા સત્તાધીશોને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપી ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો સમગ્ર નગરની સફાઈ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.આમોદ પાલિકામાં ચૂંટાયેલા સભ્યોએ પણ વહીવટી પ્રક્રિયામાં ધ્યાન ના આપતાં માત્ર મુખ્ય અધિકારીની જોહુકમી સામે સફાઈ કામદારોએ રોષ વ્યકત કર્યો હતો.આમોદ પાલિકાના છુટા કરાયેલા અને અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ મનહર સોલંકીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પણ સફાઈ કામદારો કાળી પટ્ટી ધારણ કરી સફાઈ કરશે તેમજ જો ૨૭ મી જાન્યુઆરી સુધી અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર નગરનું સફાઈ કામ બંધ કરવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી