



સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવી સાથે આક્ષેપો પણ કર્યા હતા.
સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર સુધી જતો પાલેજ – નારેશ્વર માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાઇ જવા પામ્યા છે. મીડિયા ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. માર્ગ પરથી પસાર થતા વાહનોના કારણે ધૂળ પણ ઉડતી હોવાનું નજરે પડ્યું હતું. પાલેજ – નારેશ્વર માર્ગ ઉપર નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મહારાજનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પણ આવેલું છે. દર માસની પૂનમ, રવિવાર, ગુરુવાર અને જાહેર તહેવારોના દિવસે અનેક શ્રદ્ધાળુઓ અને યાત્રિકો પ્રાઇવેટ વાહનો તેમજ પ્રવાસી બસો સાથે ઉમટી પડે છે. પરંતુ નારેશ્વર-પાલેજને જોડતો માર્ગ અતિબિસ્માર હાલતમાં થઇ જતાં વાહનચાલકો સહિત ગ્રામજનો સાથે યાત્રાળુઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
માલોદ ગામના સરપંચ તેમજ મુળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેષ પરમારે તંત્ર વિરૂધ્ધ આક્રોશ ઠાલવી સાથે સાથે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. માલોદ ગામના સરપંચે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મોટી ટ્રકો રેતી ભરી વહન કરે છે તેઓને કોઈપણ જાતનું કંઇપણ કહેવામાં આવતું નથી તેમજ ખાણ ખનીજ વિભાગ ઉપર પણ તેઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. અમે સરકાર સાથે હોવા છતાં અમારૂ કોઈ સાંભળતું ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા.જ્યારે મિનેષ પરમારે પણ તંત્ર વિરૂધ્ધ આક્રોશ ઠાલવી તંત્ર તેમજ સરકાર પર આક્ષેપો કર્યા હતા. વારંવાર માર્ગના સમારકામ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા સમારકામ હાથ ન ધરાતું હોવાના તેઓએ આક્ષેપ કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે પાલેજ – નારેશ્વર માર્ગનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી