ભરૂચ જિલ્લામાં કોરોનાના ત્રીજા લહેરને અનુલક્ષીને પ્રભારી સચિવ શાહમીના હુસેને કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમિક્ષા કરી જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. પ્રભારી સચિવ શાહમીના હુસેને ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને જરૂરી સૂચનો મેળવ્યા હતા. તેમણે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ-ટ્રેસીંગ વધુ અસરકાર બનાવવા, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, ધનવંતરી રથ મારફતે કોરોના દર્દીઓને અસરકારક સારવાર આપવા, સેનેટાઈઝેશન, માસ્ક ડ્રાઈવ, હોમ આઈસોલેશન, ઈન્ડસ્ટ્રીઝમાં ચેકીંગ, ઓક્સિજન પ્લાન્ટની પરિસ્થિતિ, હાઉસ ટુ હાઉસ સર્વે, ગ્રામ વિલેજ સમિતિ, કન્ટેનમેન્ટ હોઈ ત્યાં કડક સુરક્ષા પ્રબંધ કરવા, ૨૪×૭ હેલ્પલાઈન શરૂ કરવા, ફાયર પ્રોટોકોલ, RTPCR ની કામગીરી, વેક્સિનેશનની કામગીરી સહિત વિવિધ આનુસંગિક મુદ્દાઓ, જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા પ્રભારી સચિવએ ઉમેર્યું હતું કે, કોવિડનો કોઈ પણ દર્દી હોસ્પિટલમાંથી પાછો ન જાય, દરેક વ્યક્તિને પોતાના વિસ્તારમાંથી જ સેવા મળે તે રીતની વ્યવસ્થા ગોઠવવા, જિલ્લાના વસતા શ્રમિકોની ચિંતા કરવાની સાથે બીજી લહેરના અનુભવોમાંથી જરૂરી શીખ મેળવી ત્રીજી લહેરમાં કોઈ ત્રુટીઓ ન રહે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લામાં આવેલ તમામ તાલુકાની સ્થિતિ અંગે પણ ઝીણવટભરી ચર્ચા કરી હતી. જિલ્લા પ્રભારી સચિવએ ફરજિયાત માસ્ક પહેરવું સોશિયલ ડીસ્ટન્સ રાખવું સેનેટાઈઝ કરવું તે અંગે વિશેષ કાળજી લઈ સબંધિત અધિકારીઓને આ અંગે યોગ્ય પગલાં લેવાની સૂચના આપી, સાથે સાથે ઉક્ત બાબતોએ આ રોગની ગંભીરતા સમજી આપણે બધા સાથે મળીને રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લાના પ્રજાજનો પણ સહયોગ કરે તેવે અપીલ પણ તેમણે કરી હતી.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાના અધિકારીઓને પ્રભારી સચિવશ્રીએ આપેલ સૂચનોનો ચુસ્ત અમલ કરી કોઈ પણ ઈસ્યુ ન બને તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચિત કર્યા હતા.
પ્રારંભે મુખ્ય અધિકારી જે.એસ.દુલેરાએ કોરોનાના ત્રીજા લહેર સંદર્ભે કરવામાં આવેલ આયોજનની વિગતો આપી હતી. બેઠકમાં ડીવાયએસપીશ્રી વિકાસ સૂંડા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, ડીઆરડીએના નિયામક સી.વી.લતા, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, જિલ્લાના ચીફ ઓફિસર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.