ભરૂચ જિલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે મતદાનના દિવસે જિલ્લાના ૮૭૮ મતદાન મથકોમાં વહેલી સવારથી જ મતદાતાઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં યુવાનો, વૃધ્ધો સૌએ મતદાન કરી ગૌરવ અનુભવ્યું હતું. ભરૂચ જિલ્લાના નવેય તાલુકામાં આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૪૨.૫૯ ટકા મતદાન નોંધાયું છે.
કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે આજે ભરૂચ જિલ્લામાં જંબુસર-૬૧, આમોદ-૩૭, ભરૂચ-૬૪, વાગરા-૪૭, અંકલેશ્વર-૩૩ હાંસોટ-૨૪, ઝઘડીયા-૬૭, વાલીયા-૪૫ અને નેત્રંગ-૩૫ મળી કુલ-૪૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે ૮૭૮ મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. ભરૂચ તાલુકામાં-૨ અને અંકલેશ્વર તાલુકામાં-૧ મળી કુલ-૩ ગ્રામ પંચાયતોમા પેટા ચૂંટણી યોજાઈ હતી.
લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી. સાથે સૌ કોઇને મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે. કે, ભરૂચ જિલ્લામાં આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં જંબુસર તાલુકામાં ૪૪.૪૩ ટકા, આમોદ તાલુકામાં ૪૪.૦૮ ટકા, ભરૂચ તાલુકામાં ૩૮.૮૬ ટકા, વાગરા તાલુકામાં ૪૧.૮૧ ટકા, અંકલેશ્વર તાલુકામાં ૩૭.૦૨ ટકા, હાંસોટ તાલુકામાં ૪૯.૪૯ ટકા, ઝઘડીયા તાલુકામાં ૪૨.૬૦ ટકા, વાલીયા તાલુકામાં ૪૬.૧૨ ટકા અને નેત્રંગ તાલુકામાં ૪૯.૭૯ ટકા સહિત જિલ્લામાં કુલ – ૪૨.૫૯ ટકા મતદાન નોંધાયું હોવાનું જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી જણાવાયું છે. આ ઉપરાંત ભરૂચ તાલુકાની બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ૩૦.૦૯ ટકા અને અંકલેશ્વર તાલુકાની એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ૪૩.૮૨ ટકા મતદાન નોંધાયું છે.